April 7, 2025

ઘોઘંબાના રીંછવાણી ગામે વર્ષોથી દબાણ કરી બેઠેલા 100થી વધુ લોકોને નોટિસ, સૌથી મોટું દબાણ સરપંચનું જ!

દશરથસિંહ પરમાર, પંચમહાલઃ જિલ્લાના આદિવાસી વિસ્તાર એવા ઘોઘંબા તાલુકાના રીંછવાણી ગામે ગ્રામ પંચાયત દ્વારા રસ્તા પર વર્ષોથી દબાણ કરી બેઠેલા 100થી વધુ દબાણકારોને નોટિસ ફટકારતા વિવાદ સર્જાયો છે. મહત્વની વાત એ છે કે, આ દબાણકર્તાઓમાં સૌથી મોટું દબાણ ગામના સરપંચનું જ હતું અને નોટિસ પાઠવતા પહેલા પોતે વર્ષોથી કરેલું દબાણ તોડી પાડ્યું છે. જેને લઈને ગામમાં વિવાદ જોવા મળી રહ્યો છે.

ઘોઘંબા તાલુકાનું રીંછવાણી ગામ વસતિ અને વિસ્તારની દ્રષ્ટિએ ગ્રામ્ય કક્ષાનું મોટું વેપારીમથક છે. અહીંથી પસાર થતા દેવગઢ બારીયા-હાલોલ સ્ટેટ હાઈવેના કારણે અહીં રસ્તાની બંને બાજુ વર્ષોથી કાચા-પાકા બાંધકામો, દુકાનો અને ગલ્લા સ્વરૂપે જોવા મળે છે. મોટાભાગના ગલ્લા અને દુકાનો પંચાયતની જગ્યામાં ગેરકાયદેસર રીતે બનાવી દેવામાં આવ્યા હતા. જેમાં સૌથી મોટું દબાણ નાના કોમ્પલેક્ષ જેવું પાકું બાંધકામ ગામના સરપંચનું જ હતું. જેમાં કેટલીક દુકાનો બનેલી હતી. જેનું વર્ષોથી સરપંચ ભાડું ઉઘરાણી કરતા હોવાના આક્ષેપો પણ થયા છે. અરજદાર દ્વારા ગ્રામ પંચાયત સહિત તાલુકા અને જિલ્લા કક્ષાએ રજૂઆત કરતા અંદાજિત 20 વર્ષો બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે.

જો કે, વર્ષો બાદ હવે રજૂઆત થતા હરકતમાં આવેલા તાલુકા વહીવટી તંત્રના વડા એવા તાલુકા વિકાસ અધિકારીએ રીંછવાણી ગ્રામ પંચાયતને દબાણો અંગે કાર્યવાહી કરવા નોટિસ પાઠવતા ગ્રામ પંચાયત દ્વારા 108થી વધુ દબાણકર્તાઓને નોટિસ પાઠવી દિન 3માં બાંધકામ અંગેના પુરાવા રજૂ કરવા નહીં તો દિન 7માં આ તમામ દબાણો સ્વયં હટાવી લેવા નોટિસ ફટકારવામાં આવી છે. જેથી વર્ષોથી પેટિયું રડતા દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા છે.

સૌથી મહત્વની વાત એ છે કે, ગામના સરપંચ જશવંતસિંહ પટેલિયા છેલ્લા 20 વર્ષ ઉપરાંતથી પાકું બાંધકામ કરી દુકાનોનું મસમોટું ભાડું ઉઘરાવી રહ્યા હતા. ત્યારે પોતે સરપંચ હોવા છતાં ગેરકાયદેસર રીતે દબાણ કર્યું હોવાનું તેમને હમણાં જ ખબર પડી હોવાનું જણાવી પિતા અને ભાઈઓએ આ દબાણ કર્યું હોવાની કેફિયત કરી રહ્યા છે. નોટિસ મળે તે પહેલાં જ વિવાદિત દબાણનો કેટલોક ભાગ દેખાડા ખાતર તોડી પાડ્યો હોવાના ગ્રામજનો અને રજૂઆત કર્તાઓ આક્ષેપો કરી રહ્યા છે. જેને સરપંચ દ્વારા નકારવામાં આવ્યા હતા.

હાલ આ સમગ્ર મામલો ભારે ગરમાયો છે. કારણ કે આ સમગ્ર મામલે રાજકીય હુંસાતુંસીમાં વિવાદ થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે, હવે સમય જ બતાવશે કે, રાજ્યમાં જેમ તમામ જગ્યાએ દબાણો પર બુલડોઝર ફરી રહ્યા છે, તેમ નાનકડા રીંછવાણી ગામમાં પણ બુલડોઝર ફરશે કે નહીં અને ગેરકાયદેસર દબાણ કરનારા અને ભાડું ઉઘરાવનારા સરપંચ સામે પણ કાર્યવાહી થશે કે નહીં.