February 4, 2025

પાલનપુરના સીમલા ગેટ પાસે આવેલ મટન માર્કેટના 20 દબાણો દૂર કરાયા

રતનસિંહ ઠાકોર, પાલનપુર: પાલનપુરના સીમલા ગેટ ખાતે આવેલા મટન માર્કેટના 20 દબાણો તોડી પડાયા છે. આ દબાણો સૈચ્છિક દૂર કરવા માટે પાલનપુર નગરપાલિકાએ નોટિસ આપી હતી, પરંતુ સ્વૈચ્છિક દબાણ દૂર ન કરાતા આખરે પાલિકાની ટીમે પોલીસ પ્રોટેકશન સાથે આ દબાણ ઉપર બુલડોઝર ફેરવી દીધું છે.

પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસરના આદેશ બાદ સીમલા ગેટ વિસ્તારની મટન માર્કેટના 20 દબાણો તોડી પડાયા છે. ગેરકાયદેસર રીતે દબાણો કરી અને મટન માર્કેટમાં ધંધો કરતા આ ગેરકાયદેસર દબાણોને તોડી પડાયા છે. અગાઉ પાલિકાએ આ ગેરકાયદેસર દબાણોને દૂર કરવા નોટીસ આપી હતી, પરંતુ આ દબાણો દૂર ન કરતા આખરે પોલીસની મદદ લઈ અને પાલિકાની ટીમને આ ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધું છે.

મહત્વની બાબત એ છે કે વર્ષોથી આ મટન માર્કેટ ચાલુ હતું ગેરકાયદેસર દબાણો હતા, પરંતુ વર્ષોથી પાલિકામાં સત્તા ભોગવી રહેલા એક પણ પ્રમુખ અથવા નગરસેવકે આ દબાણો હટાવ્યા નથી અને આજે પણ પાલિકા પ્રમુખ, ચેરમેન અથવા તો અન્ય પદાધિકારીઓ નગરપાલિકામાંથી ગાયબ હતા. કારણ કે આ મતોનું રાજકારણ છે અને મતોના રાજકારણમાં આજ સુધી આ દબાણોને હટાવ્યા નથી. જોકે નવા ચીફ ઓફિસરે પહેલ કરી છે અને સૌ પ્રથમ કામ આ મટન માર્કેટમાં ગેરકાયદેસર દબાણોને હટાવ્યા છે. ત્યારે આવનારા સમયમાં પણ પાલનપુરમાંથી ગેરકાયદેસર દબાણો હટાવવાનો સિલસિલો ચાલુ રહેશે.