પાલનપુરમાં ટ્રાફિક સમસ્યાને લઈને દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાઈ

રતનસિંહ ઠાકોર, પાલનપુર: પાલનપુરમાં શહેર અને હાઇવે પર વધતી જતી ટ્રાફિક સમસ્યાને લઈને આજે આર.એન.બી નગરપાલિકા અને એન.એચ.આઈ એ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરી હતી. એક હજારથી વધુ થયેલા દબાણો હટાવવા માટે અલગ અલગ વિસ્તારમાં તંત્રની ત્રણ ટીમો કામે લાગી છે. જોકે એક તરફ ટ્રાફિકની સમસ્યાને લઈને પાલનપુરના જાગૃત નાગરિકોએ બાયપાસ બનાવવા માટે ધરણા શરૂ કરી દીધા છે. તો બીજી તરફ નાગરિકો માની રહ્યા છે કે દબાણ માત્ર નાટક છે આવતીકાલે પાછી પરિસ્થિતિ યથાવત હશે.
પાલનપુર શહેરમાં ટ્રાફિકની પરિસ્થિતિને લઈને છેલ્લા પાંચ વર્ષથી પ્રજા પીડાઈ રહી છે. ત્યારે અનેક લોકો હેરાન થાય છે અનેક વાહનચાલકો કલાકો સુધી હેરાન થાય છે. ત્યારે ગઈકાલે કલેક્ટરના આદેશ બાદ એન.એચ.આઈ પાલિકા અને આર.એન.બીની ટીમોએ આજે દબાણની કાર્યવાહી હાથ ધરી છે. પાલનપુરના એરોમા સર્કલથી કોજી વિસ્તાર અને પાલનપુરના એરોમાં સર્કલથી હનુમાન ટેકરી વિસ્તાર સુધીમાં 1,000થી વધુ દબાણ આજે હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે. જોકે આ દબાણોને કારણે થતો ટ્રાફિક જેને કારણે પ્રજા પરેશાન થઈ રહી છે. ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે તંત્રએ આજે આ ટ્રાફિકની સમસ્યાનું નિવારણ કરવા માટે દબાણ ઝુંબેશ હાથ ધરી છે.
ટ્રાફિક સમસ્યાથી ત્રસ્ત અને અન્ય કોઈ રસ્તા પર વાહનોનું ડ્રાઈવર્ઝન હોવાથી બાયપાસ એક માત્ર વિકલ્પ છે. જેને લઈને પાલનપુરના નાગરિકો પણ ધરણા પર બેસી ગયા છે અને બાયપાસનું કામ જલ્દી પૂરું કરવા માગ કરી છે. તો બીજી તરફ શહેરના નાગરિકોનું માનવું છે કે આ દબાણનું નાટક પાંચમી વાર ભજવાયું છે. નાના ગરીબોના દબાણ હટાવાય છે ત્યારે પાકા કરેલા દબાણોને હટાવતા નથી અને જેને લઈને ટ્રાફિક સમસ્યા છે. જોકે આજે દબાણ હટાવ્યા છે એક બે દિવસ પછી પરિસ્થિતિ યથાવત થઈ જશે અને આ દબાણ હવે ફરીથી ન થાય તેવી તંત્ર પાસે માંગણી છે.