July 19, 2024

પાલનપુરમાં જર્જરિત ઇમારતો ઉતારવામાં નગરપાલિકાની આળસ,ચીફ ઓફિસરે કર્યો ઘટસ્ફોટ

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: પાલનપુર નગર પાલિકાએ ચોમાસુ નજીક આવતા જ જર્જરિત ઈમારતોના માલિકોને નોટીસો તો પાઠવી પરંતુ કાર્યવાહી કરવાની બદલે નોટિસો આપી સંતોષ માની લીધો છે. જોકે, આ જર્જરિત ઈમારતો ઉતારવામાં પાલિકા સામે ખોટી ફરિયાદ થવાનો ડર ખુદ ચીફ ઓફિસર કબૂલી રહ્યા છે અને આ ડરને લીધે પાલિકા જર્જરીત ઇમારતોના માલિકો સામે કાર્યવાહી નથી કરી રહી.

પાલનપુર પાલિકા એટલે હંમેશા શહેરની સમસ્યાઓ અને આક્ષેપો વચ્ચે સતત વિવાદોમાં રહેતી પાલિકા છે જેની કામગીરી સામે ઘણીવાર નગરજનો સવાલો ઉઠાવતા હોય છે. ત્યારે, ફરી એકવાર પાલિકાએ ચોમાસુ નજીક આવતા જ શહેરના દિલ્હીગેટ, પથ્થર સડક, ઢુંઢીયાવાડી, ગુરુનાનક ચોક સહિતના વિસ્તારોમાં જર્જરિત ઈમારતોના 15 થી 17 જેટલા લોકોને નોટિસો આપવાની જ કામગીરી કરી સંતોષ માની લીધો છે. પરંતુ, કાયમી ધોરણે જર્જરિત ઈમારતોને ઉતારી લેવા માટે પાલિકા તંત્રએ કોઈજ નકકર કાર્યવાહી નથી કરી એટલું જ નહીં. ખુદ ચીફ ઓફિસર એવું કહી રહ્યા છે કે આવી ઈમારતો ઉતારીનો ભયજનક ભાગ અમે ઉતારી લેતા હોઈએ છીએ. પરંતુ, આમાં લાંબી કાર્યવાહી કરવામા પંચનામાં સહિતની પ્રક્રિયા થતી હોય છે. તેવામાં માલિકોના માલ સામાન ને લઈ ચોરીની ફરિયાદો થઈ શકે છે તેવો ડર પણ તેમણે વ્યક્ત કર્યો છે.

પાલનપુર પાલિકાના કારણે નગરજનો પર વર્ષોથી જર્જરિત ઈમારતોનું મોતનું સંકટ તોળાઈ રહ્યું છે. જ્યારે પાલિકાના સત્તાધીશો માત્ર નોટિસો આપી ને જ પોતાની ફરજ પુરી કરી રહ્યા છે. પરંતુ, જો કોઈ જૂની જર્જરિત ઈમારતના કારણે કોઈ જાનહાની થાય તો તેના માટે જવાબદાર કોણ તે સવાલનો જવાબ પાલિકા પાસે જાણે નથી. ત્યારે નગરજનોની સલામતી માટે હવે જનતા કોની પાસે જાય તે મોટો સવાલ ઉઠી રહ્યો છે.

જયારે, માથે ચોમાસુ આવે ત્યારે જ પાલિકા તંત્ર દોડે છે અને એ પણ માત્ર નોટિસો પૂરતી જ કાર્યવાહી કરે છે. ત્યારે, આ જોખમી જર્જરિત ઈમારતો ને કોણ ઉતારશે? શું નોટિસો આપવાથી જ દુર્ઘટના ને રોકી શકાય છે? આવા અનેક સવાલો ના જવાબ છે જે પાલિકા જાણે પરંતુ પાલિકા દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે હાલમાં શહેરમાં જૂની અને જર્જરિત ઈમારતો પડવાના વાંકે ઉભી છે જેના નીચેથી રાત દિવસ લોકો પસાર થઈ રહ્યા છે છતાં પાલિકા તંત્ર માત્ર નોટિસોજ સંતોષ માની બેઠું છે ત્યારે જર્જરિત ઈમારતો ઉતારવામાં નિષ્ફળ ગયેલા પાલિકા તંત્ર સામે સ્થાનિકો રોષ ઠાલવી રહ્યા છે ચોમાસામાં જર્જરિત ઈમારતો કોઈનો ભોગ લે તે પહેલાં પાલિકા તંત્ર જાગે તો ઠીક નહિતર દુર્ઘટના બાદ તો પાલિકા કાર્યવાહી કરશે એ તો આ પાલિકા ની ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવાની જૂની રીત અને પરંપરા રહી છે.