પાલનપુરમાં સુલેમાની પથ્થરના નામે છેતરપિંડી, પોલીસે ત્રણને દબોચ્યાં
રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ જિલ્લાના પાલનપુરના કાણોદરમાં સુલેમાની પથ્થરનો સોદો કરવા આવેલા મહેસાણાના સ્ક્રેપના વેપારી અને તેના મિત્રનું અપહરણ થયાની તેમજ 5 લાખ રૂપિયાની ખંડણી માગવાની ફરિયાદ વેપારીની પત્નીએ નોંધાવી છે. ત્યારે પાલનપુર તાલુકા પોલીસે આ મામલે ગણતરીના કલાકોમાં વેપારીનું અપહરણ કરનારા 3 ઈસમોને સુલેમાની પથ્થર સાથે ઝડપી પાડ્યા છે અને આગળની તપાસ હાથ ધરી છે.
ફરિયાદ પ્રમાણે, મહેસાણા-રાધનપુર રોડ નજીક તિરૂપતિ બંગ્લોઝમાં રહેતા રાહુલકુમાર નટવરલાલ દવે પાલનપુર સાસરીમાં આવ્યા હતા. ત્યારે તેમના વડોદરાના મિત્ર હેતલભાઇ રાવજીભાઇ પટેલને પાલનપુર બોલાવ્યા હતા. ત્યારબાદ તેમના અન્ય અમદાવાદના મિત્ર અજયભાઇ માટે સુલેમાની પથ્થર ખરીદવા કાણોદર ગામે પહોંચ્યા હતા. જ્યાં વડગામના પથ્થરના વેપારી વિશ્વજીતસિંહ અને જીતેન્દ્રસિંહ પાસે જઈને તેમના મિત્ર માટે સુલેમાની પથ્થર જોવા ગયા હતા. ત્યારબાદ તેમણે સુલેમાની પથ્થર જોઈને તેમના મિત્ર અજયભાઈ માટે 5 લાખ રૂપિયામાં પથ્થર ખરીદ્યો હતો.
સાંજ સુધી અજયભાઈ પથ્થર લેવા માટે આવ્યા ન હતા. આથી વડગામના પથ્થરના વેપારી વિશ્વજીતસિંહ અને જીતેન્દ્રસિંહે પથ્થરના રૂપિયા 5 લાખ આપવાનું કહ્યુ હતુ. જો કે, રાહુલભાઇએ નાણાં આપવાની ના પાડતાં બંને શખ્સોએ રાહુલભાઇ અને હેતલભાઇને તેમની કારમાં બળજબરીપૂર્વક બેસાડી તેમનું અપહરણ કર્યુ હતુ. આ અંગે વેપારીની પત્ની પૂર્વીબેન રાહુલકુમાર દવેએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મામલાની ગંભીરતાને લઈને LCB, SOG સહિત મહેસાણા પોલીસનો સંપર્ક કરીને અલગ-અલગ ટિમો બનાવી તપાસ હાથ ધરી હતી. જેમાં પાલનપુર પોલીસે મહેસાણાના સતલાસણા પાસેના એક ખેતરમાંથી ત્રણ અપહરણકર્તાઓને ઝડપી પાડી વેપારી અને તેના મિત્રને મુક્ત કરાવી સુલેમાની પથ્થર જપ્ત કર્યો હતો.
સુલેમાની પથ્થર વિશે પોલીસે પૂછપરછ કરતા પોલીસ ચોંકી ઉઠી હતી. આરોપીઓ આ સુલેમાની પથ્થરનો વીડિઓ બનાવી લોકોને એવું બતાવે છે કે, આ સુલેમાની પથ્થર હાથમાં રાખીએ તો તમને કોઈ ઇજા થતી નથી. તમારા વાળ કપાતા નથી. તમને લોહી નીકળતું નથી. જેથી આ પથ્થર વિશે ખોટી ભ્રામકતા ફેલાવી લોકોને તેની તરફ આકર્ષણ કરીને તેને વેચતા હતા અને લોકો સાથે છેતરપિંડી કરતા હતા. હાલ તો પાલનપુર પોલીસે વડગામના આરોપી વિશ્વજીતસિંહ અને જીતેન્દ્રસિંહ તેમજ જ્યાં વેપારીનું અપહરણ કરીને રાખ્યું હતું. તેના માલિક અરવિંદ ઠાકોર સહિત ત્રણ આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.