GEBની ઘોર બેદરકારીને કારણે 5 વર્ષના બાળકનું કરંટ લાગવાથી મોત
રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ પાલનપુર શહેરના ગોબરી રોડ વિસ્તારમાં ગઈકાલે પાંચ વર્ષના બાળકનું કરંટ લાગવાથી મોત થયું છે. થાંભલા પાસે બાંધેલા તારને કારણે બાળક અડી જતાં તેનું મોત થયું હતું. બાળકનું મોત થતાં ગોબરી રોડ વિસ્તારમાં GEBની બેદરકારી સામે આવી છે.
પાલનપુરના ગોબરી રોડ વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં નજરે પડે છે રેઢિયાળ ડીપી અને તેની પર લટકતા વાયરના ગૂંચળા. આ ગૂંચળા જાણે જીવતા યમરાજ હોય તેવા લાગે છે. ખુલ્લા જીવતા વાયર મોતના વાયર હોય તેવું લાગી રહ્યું છે. આ વિસ્તારમાં ઘરની નજીક જ ડીપી રહે છે. જે પાકા મકાનો છે તેના પરથી લાઇટના વાયર પસાર થાય છે. ગમે તેનો જીવ લઈને તેવી પરિસ્થિતિ છે.
ગઈકાલે પાંચ વર્ષના બાળકે કરંટને કારણે જીવ ગુમાવ્યો હતો. થાંભલા નજીક તાર બાંધેલો હતો તેની પર કરંટ આવતો હતો. બાળકે તારને અડી જતા તેનું મોત થયું હતું. ત્યારે ચોક્કસ સવાલ થાય છે કે આ જીવતા વાયરને લઈને જીઇબી વિભાગની બેદરકારી સામે આવી છે. પ્રિમોન્સૂન પ્લાનના નામે જીઇબીએ કઈ કર્યું નથી એટલે કે આગામી ચોમાસુ પણ આવી રહ્યું છે. ત્યારે જો કરંટ પ્રસરવાની બીજી ઘટનાઓ પણ બનવાની શક્યતા છે.
ગોબરી રોડ વિસ્તારના સ્થાનિકોની માંગણી છે કે આજે જીવતા વાયરો છે. તેમને અંડરગ્રાઉન્ડ કનેક્શન કરવામાં આવે અથવા તો એક જ કેબલ નાખવામાં આવે, જેથી તેમને મોતનું જોખમ ન રહે. કારણ કે આ વિસ્તારના લોકો પાસે એસી-પંખા નથી એટલે નીચે સૂવું પડે તેવી પરિસ્થિતિ છે. જેને કારણે તેઓ ભયના ઓથાર હેઠળ ત્યાં જીવી રહ્યા છે. સ્થાનિકોની માંગણી છે કે જીઈબી દ્વારા આ વાયરોને સમારકામ કરી અને સુરક્ષિત કરવામાં આવે તો લોકોના જીવ બચી શકે.