December 22, 2024

પાકિસ્તાનના નાપાક ષડયંત્રની પોલ ખૂલી, LOC પાસે સક્રિય કર્યું લોન્ચ પેડ,

Jammu Kashmir: પાકિસ્તાન પોતાની નાપાક હરકતો બંધ નથી કરી રહ્યું. છેલ્લા કેટલાંક દિવસોથી સતત સરહદ પર ઘૂસણખોરો ભારતીય સરહદમાં ઘૂસી જઈને આતંકી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં તાજેતરના દિવસોમાં ભારતીય સેનાએ અનેક આતંકીઓને ઠાર કર્યા છે. તેમ છતાં સરહદ પારથી આતંકીઓની ઘૂસણખોરી સતત ચાલી રહી છે. આંતરરાષ્ટ્રીય સરહદ હોય કે પછી LOC પાકિસ્તાન તમામ સ્થળોએથી પોતાના આતંકીઓ કાશ્મીર મોકલી રહ્યું છે.

આ દરમિયાન માહિતી મળી છે કે આતંકીઓની ઘૂસણખોરી કરાવવા માટે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIએ આંતરરાષ્ટ્રીય સરહદ પાસે આતંકીઓના લોન્ચ પેડ્સ ફરી એકવાર સક્રિય કરી દીધા છે. જાણવા મળી રહ્યું છે કે આ લોન્ચ પેડ આતંકી સંગઠનો દ્વારા પાકિસ્તાનની મદદથી Mattewala,HeadMarala,Sahanshaમાં બનાવવામાં આવ્યા છે.

જમ્મુ ડિવિઝનમાં લગભગ 50 આતંકીઓ સક્રિય
વાસ્તવમાં, પાકિસ્તાનમાં બેઠેલા આતંકીઓના આકાઓ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છે. આ માટે આતંકી કેમ્પ પણ લગાવે છે જ્યાંથી યુવાનોને બ્રેનવોશ કરીને આતંકની તાલીમ આપવામાં આવે છે. તાજેતરમાં, જમ્મુ ડિવિઝનમાં લગભગ 50 આતંકવાદીઓ સક્રિય છે, જેમાંથી મોટાભાગના આતંકવાદીઓ FT એટલે કે વિદેશી આતંકવાદીઓ હોવાનું કહેવાય છે.

આતંકીઓને ખતમ કરવા સેનાનું સર્ચ ઓપરેશન
ભારતીય સેના આતંકવાદીઓને ખતમ કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. જમ્મુ ડિવિઝનના અલગ-અલગ જિલ્લામાં સેના અને સુરક્ષા દળો દ્વારા સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે જેથી આતંકવાદીઓને જલદીથી ખતમ કરી શકાય. રવિવાર, 14 જુલાઈએ જમ્મુ-કાશ્મીરના કેરન સેક્ટરમાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા ત્રણ આતંકવાદીઓને સેનાએ ઠાર માર્યા હતા. તેમની પાસેથી હથિયાર અને અન્ય યુદ્ધ સામગ્રી પણ મળી આવી છે. અન્ય આતંકવાદીઓને શોધવા માટે સેનાનું સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. 8 જુલાઇના રોજ કઠુઆના બદનોટા વિસ્તારમાં હથિયારોથી સજ્જ આતંકવાદીઓના જૂથે પેટ્રોલિંગ કરી રહેલ સેનાની ટુકડી પર અચાનક હુમલો કરી દીધો હતો. આ હુમલામાં 5 જવાનોના મોત થયા હતા જ્યારે 8 જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા.