પાકિસ્તાની વિઝા પ્રતિબંધ હિન્દુ શરણાર્થીઓ પર લાગુ નહીં પડે: વિદેશ મંત્રાલય

નવી દિલ્હી: ભારત સરકારે પાકિસ્તાની નાગરિકો માટે વિઝા સેવાઓ સ્થગિત કરી છે, પરંતુ લાંબા ગાળાના વિઝા ધરાવતા હિન્દુ શરણાર્થીઓને કોઈ અસર થશે નહીં. વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી કે તેમના શિક્ષણ, રહેઠાણ અને તબીબી સારવાર પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં.

કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS)ના પ્રસ્તાવને પગલે ભારત સરકારે પાકિસ્તાની નાગરિકો માટે તાત્કાલિક અસરથી તમામ વિઝા સેવાઓ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવેલા તમામ માન્ય ભારતીય વિઝા 27 એપ્રિલથી રદ કરવામાં આવશે. આ પગલું જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે લેવામાં આવ્યું છે, જેમાં 26 લોકો માર્યા ગયા હતા. આ ઘટનાના જવાબમાં સરકાર કડક રાજદ્વારી અને સુરક્ષા પગલાં લઈ રહી છે. જોકે, વિઝા અંગે ભારત સરકારનો આ નિયમ એવા પાકિસ્તાની નાગરિકો પર લાગુ થશે નહીં જે પાકિસ્તાની હિન્દુ છે અને જેમને લાંબા ગાળાના વિઝા આપવામાં આવ્યા છે જેના દ્વારા તેઓ ભારતમાં રહી રહ્યા છે.

પાકિસ્તાની નાગરિકો 27 એપ્રિલ સુધીમાં ભારત છોડી દેશે
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, “પહલગામ આતંકવાદી હુમલાના પગલે સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિ દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને ચાલુ રાખીને ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોને તાત્કાલિક અસરથી વિઝા સેવાઓ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. ભારત દ્વારા પાકિસ્તાની નાગરિકોને જારી કરાયેલા તમામ માન્ય વિઝા 27 એપ્રિલ 2025થી રદ કરવામાં આવશે.”