December 23, 2024

પાકિસ્તાનમાં ગુરૂદ્વારા બનાવવા પર વિરોધ, શીખોને આપવામાં આવી ખુલ્લેઆમ ધમકી

Faisalabad Gurdwara: પાકિસ્તાનની પંજાબ સરકારે ફૈસલાબાદમાં 76 વર્ષથી બંધ પડેલા ગુરુદ્વારાને ફરીથી ખોલવાની મંજૂરી આપી દીધી છે, જેના પછી વિસ્તારના મુસ્લિમો રોષે ભરાયા છે. ફૈસલાબાદના મુસ્લિમોએ ખુલ્લેઆમ ધમકી આપી છે કે આ શહેરમાં ક્યારેય કોઈ ગુરુદ્વારા બાંધવા દેવામાં આવશે નહીં. આ મુદ્દાને લઈને ફૈસલાબાદના એક સ્થાનિક નેતાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ખુલ્લેઆમ ધમકી આપતા જોવા મળી રહ્યા છે. અમીન બટ્ટ નામના નેતાએ શીખોને મુસ્લિમોના હત્યારા ગણાવ્યા છે અને એમ પણ કહ્યું છે કે જો ફૈસલાબાદમાં ગુરુદ્વારા ખોલવામાં આવશે તો તેને તોડી પાડવામાં આવશે.

અમીન બટ્ટે કહ્યું કે ઈદના ત્રણ દિવસ પછી મને ખબર પડી કે ફૈસલાબાદમાં ગુરુદ્વારા ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. આ મુસ્લિમો પરનો ઘોર અત્યાચાર છે. બટ્ટે કહ્યું કે અમે ફૈસલાબાદના પ્રશાસન, રાજ્યના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાનને અપીલ કરી છે કે તેઓ અહીં આવું કોઈ કામ ન કરે. અમે ફૈસલાબાદમાં ગુરુદ્વારા નહીં બનવા દઈએ. આ દરમિયાન ધમકી આપતાં અમીન બટ્ટે કહ્યું હતું કે જો વહીવટીતંત્ર તાકાત બતાવવાનો પ્રયત્ન કરશે તો જનતા તેમની સામે લડશે.

આ પણ વાંચો: દુનિયામાં કયા મુસ્લિમ દેશની કરન્સી સૌથી મજબૂત, જાણીને ચોંકી જશો

બટ્ટે શીખોને બળાત્કારી કહ્યા
આ સમયગાળા દરમિયાન અમીન બટ્ટે શીખો વિરુદ્ધ ઝેર ઓક્યું અને મુસ્લિમોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો. શીખોને મુસ્લિમોના હત્યારા અને બળાત્કારી ગણાવતા બટ્ટે કહ્યું, ‘જ્યારે પાકિસ્તાનનું નિર્માણ થયું ત્યારે આ શીખોએ અમારી માતાઓ, બહેનો અને મુસ્લિમો પર ઘણા અત્યાચાર કર્યા હતા.’ આ સિવાય બટ્ટે શીખો પર અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડીને તે જગ્યાએ મંદિર બનાવવાનો પણ આરોપ લગાવ્યો હતો. બટ્ટે પૂછ્યું, ‘અમે સરકારને ગુરુદ્વારા બનાવવાની મંજૂરી શા માટે આપીએ? અમે તેને બિલકુલ બનવા દઈશું નહીં. આ ગુરુદ્વારા બનાવવા માટે અમારે જીવ જોખમમાં મૂકવો પડશે.

ફૈસલાબાદમાં માત્ર 200 શીખ
ફૈસલાબાદ શહેર એક સમયે લાયલપુર તરીકે જાણીતું હતું, આ શહેરમાં મોટી સંખ્યામાં શીખ વસ્તી રહેતી હતી. હાલમાં આ સ્થળે માત્ર 200 શીખો બાકી છે. આ શીખ સમુદાય તેના ઐતિહાસિક ગુરુદ્વારા ‘ગુરુ સિંહ સભા’ને પાછું મેળવવા માટે લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યો છે. વર્ષ 1911માં બનેલ આ ગુરુદ્વારાને શીખ ધરોહર અને વિસ્તારની આધારશિલા તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ વર્ષ 1947માં દેશના વિભાજન બાદ આ ગુરુદ્વારા શીખો પાસેથી છીનવી લેવામાં આવ્યું હતું અને તે જ સ્થળે એક મોડેલ હાઈસ્કૂલ ખોલવામાં આવી હતી.