January 22, 2025

આગળ પણ એક્શન લેતા રહીશું… પાકિસ્તાનની બેલેસ્ટિક મિસાઈલ પ્રોગ્રામ પર USનું કડક વલણ

America: અમેરિકાએ પાકિસ્તાન પર લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલ બનાવવાનો આરોપ લગાવ્યો છે. અમેરિકાનો આરોપ છે કે આ મિસાઈલોના કારણે પાકિસ્તાનને અમેરિકા સહિત દક્ષિણ એશિયાની બહારના ટાર્ગેટ પર હુમલો કરવાની ક્ષમતા મળશે. આ જ કારણ છે કે અમેરિકાએ હવે પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું છે. અમેરિકાએ મિસાઈલ પ્રોગ્રામ સાથે જોડાયેલી 4 કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. અમેરિકાએ સ્પષ્ટ કર્યું કે તે આવી ગતિવિધિઓ સામે કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે. પાકિસ્તાનની 4 કંપનીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેમાં એરોસ્પેસ એન્ડ ડિફેન્સ એજન્સી, નેશનલ ડેવલપમેન્ટ કોમ્પ્લેક્સ (NDC) પણ સામેલ છે.

આ સિવાય અન્ય ત્રણ કંપનીઓ અખ્તર એન્ડ સન્સ પ્રાઈવેટ લિમિટેડ, એફિલિએટ્સ ઈન્ટરનેશનલ અને રોકસાઈડ એન્ટરપ્રાઈઝ છે. ત્રણેય કરાચીમાં સ્થિત છે. ઈસ્લામાબાદ સ્થિત, NDC બેલિસ્ટિક-મિસાઈલ પ્રોગ્રામ માટે જવાબદાર છે. આ કંપનીઓએ પાકિસ્તાનના લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલ કાર્યક્રમને આગળ વધારવા માટે જરૂરી સામગ્રી પૂરી પાડી હતી.

પાકિસ્તાન પર અમેરિકાનું દબાણ
પ્રિન્સિપલ ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઈઝરે કાર્નેગી એન્ડોવમેન્ટ ફોર ઈન્ટરનેશનલ પીસ ખાતે તેમની ટિપ્પણીમાં કહ્યું કે સરળ રીતે કહીએ તો, અમે પાકિસ્તાન પર તેના લાંબા અંતરની મિસાઈલ કાર્યક્રમને લઈને દબાણ બનાવી રાખીશું. અમે અમારી ચિંતાઓને દૂર કરવા માટે રાજદ્વારી ઉકેલો શોધવાનું પણ ચાલુ રાખીશું. અમેરિકા ભવિષ્યમાં પણ આવી ગતિવિધિઓ સામે કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે. આ વર્ષની શરૂઆતમાં અમેરિકાએ ચીનની ત્રણ કંપનીઓને પાકિસ્તાનના બેલેસ્ટિક મિસાઈલ પ્રોગ્રામ માટે ટેક્નોલોજી સપ્લાય કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

આ પણ વાંચો: લોકો તમારી પર ઝેર ફેંકશે… દિઝજીતે ફાયર અંદાજમાં મહારાષ્ટ્ર સરકારની એડવાઈઝરી પર આપી પ્રતિક્રિયા

પ્રતિબંધ બાદ પાકિસ્તાને શું કહ્યું?
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ગુરુવારે અમેરિકાના નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ અને પક્ષપાતી ગણાવ્યો હતો. મંત્રાલયે કહ્યું કે અમેરિકન પ્રતિબંધથી આપણી ક્ષેત્રીય સ્થિરતાને નુકસાન થશે. પાકિસ્તાનની સાર્વભૌમત્વની રક્ષા કરવા અને દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતા જાળવવા માટે આ કાર્યક્રમ જરૂરી હતો. આ પ્રતિબંધો અમેરિકાની WMD નિવારણ નીતિ હેઠળ લાદવામાં આવ્યા છે. આ પગલું માત્ર પાકિસ્તાનના હથિયાર કાર્યક્રમ પર નિયંત્રણ સ્થાપિત કરવાનો પ્રયાસ નથી પરંતુ સામૂહિક વિનાશના શસ્ત્રોના પ્રસારના વૈશ્વિક જોખમને ઘટાડવાની દિશામાં પણ છે.