પાકિસ્તાની ISI એજન્ટે ફોન કરીને કહ્યુ – વડોદરા રેલવે સ્ટેશન બહાર બ્લાસ્ટ થશે

ફાઇલ તસવીર
વડોદરાઃ શહેરના રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન આવતા દોડધામ મચી ગઈ છે. પોલીસે આ મામલાની ગંભીરતાને ધ્યાને રાખી સમગ્ર રેલવે સ્ટેશન પર ચેકિંગ હાથ ધર્યું છે.
મળતી માહિતી પ્રમાણે, વલસાડ રેલવે પોલીસ કંટ્રોલરૂમને ટીખળખોરે ફોન કરીને વડોદરા રેલવે સ્ટેશન પર બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી. ફોન કરનારા વ્યક્તિએ પાકિસ્તાનથી ISI એજન્ટ બોલું છું તેમ કહીને પોલીસને ઓળખ આપી હતી.
ઉલ્લેખનીય છે કે, રેલવે પોલીસને ધમકીભર્યો કોલ આવતા વડોદરા રેલવે સ્ટેશન પર ઠેર ઠેર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. વડોદરા SOG, LCB, RPF, રેલવે પોલીસ સહિત વિવિધ ટીમોએ ચેકિંગ હાથ ધર્યું છે. આ ઉપરાંત ધમકીભર્યો ફોન કરનારા અજાણ્યા શખસ સામે રેલવે પોલીસે ફરિયાદ નોંધીને તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
વડોદરા રેલવે સ્ટેશન મુસાફરોથી ધમધમતું રહે છે. મધ્ય ગુજરાતનું એક મહત્વનું રેલવે સ્ટેશન ગણાય છે. ત્યારે બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા પોલીસ સહિત અન્ય એજન્સીઓએ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કામગીરી ચાલુ કરી દીધી છે.