અમે પણ તૈયાર છીએ; પહલગામ હુમલા બાદ PAK ગુસ્સે, સંસદમાં ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું

Pahalgam Terror Attack: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં પાકિસ્તાની કનેક્શન સામે આવ્યા બાદ પડોશી દેશ ગુસ્સે ભરાયો છે. પાકિસ્તાન સંસદમાં ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. આજે પાકિસ્તાની સંસદે સર્વસંમતિથી ભારત સામેના ઘાતક હુમલાને પાકિસ્તાન સાથે જોડતો ઠરાવ પસાર કર્યો હતો. તેમણે કહ્યું કે પાકિસ્તાન પોતાનો બચાવ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. પહલગામ હુમલામાં આતંકવાદીઓએ 25 ભારતીયો અને એક નેપાળી નાગરિકની ગોળી મારીને હત્યા કરી હતી. આ પછી દેશભરમાં પાકિસ્તાન સામે ભારે ગુસ્સો છે.
પાકિસ્તાનના ડેપ્યુટી પીએમ ઈશાક ડારે સંસદમાં ઠરાવ રજૂ કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાન દરિયાઈ આતંકવાદ અથવા લશ્કરી ઉશ્કેરણી સહિત કોઈપણ આક્રમણ સામે તેની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાની રક્ષા કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ અને તૈયાર છે. ઠરાવ મુજબ, સંસદે ભાર મૂક્યો હતો કે નિર્દોષ નાગરિકોની હત્યા પાકિસ્તાન દ્વારા અપનાવવામાં આવેલા મૂલ્યોની વિરુદ્ધ છે. તેમાં કહેવામાં આવ્યું કે, “આ ઠરાવ જમ્મુ અને કાશ્મીરમાં 22 એપ્રિલ 2025ના રોજ થયેલા પહલગામ હુમલા સાથે પાકિસ્તાનને જોડવાના તમામ વ્યર્થ અને પાયાવિહોણા પ્રયાસોને પણ નકારી કાઢે છે.”
ઠરાવમાં પાકિસ્તાને ભારત પર તેને બદનામ કરવાનો આરોપ લગાવ્યો હતો. સંસદે જણાવ્યું હતું કે, “પાકિસ્તાનને બદનામ કરવા માટે ભારત સરકાર દ્વારા સુનિયોજિત અને દૂષિત અભિયાનની નિંદા કરવામાં આવે છે, જે સંકુચિત રાજકીય હેતુઓ માટે આતંકવાદના મુદ્દાનો ઉપયોગ કરવાની પરિચિત પેટર્નને અનુસરે છે.” પાકિસ્તાને સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના ભારતના નિર્ણયની પણ નિંદા કરી અને પુનરોચ્ચાર કર્યો કે તે સ્પષ્ટપણે યુદ્ધના કૃત્ય સમાન છે.