January 27, 2025

પંચમહાલના ચંદ્રકાંત શેઠને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે સેવા માટે મરણોપરાંત પદ્મશ્રી પુરસ્કાર

Padma Award: ચંદ્રકાંત શેઠનું જન્મ 3 ફેબ્રુઆરી 1938ના રોજ પંચમહાલના કાલોલમાં થયું હતું. અને અમદાવાદમાં 2 ઑગસ્ટ 2024ના રોજ તેમનું દુખ:દ અવસાન થયું હતું. તેઓ ગુજરાતી કવિ, નિબંધકાર, વાર્તાકાર, કોશકાર, વિવેચક, સંપાદક, અનુવાદક, હાસ્યકાર, ચરિત્રકાર અને કેળવણીકાર. તેમના ઉપનામો: નંદ સામવેદી, આર્યપુત્ર, બાલચંદ્ર, દક્ષ પ્રજાપતિ. વતન: ઠાસરા (ખેડા). ભારત સરકાર દ્વારા તેમને સમાજ કાર્ય માટે પદ્મશ્રી પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે.

પિતા ત્રિકમલાલ શેઠ ચુસ્ત વૈષ્ણવ, ઠાકોરજીમાં-કીર્તનમાં ઓતપ્રોત. ગળથૂથીમાંથી જ કવિને ધાર્મિક સંસ્કાર, કીર્તન-સંગીત મળેલાં. પ્રાથમિક શિક્ષણ હાલોલ અને કણજરીમાં. માધ્યમિક શિક્ષણ હાલોલ અને પછી અમદાવાદમાં. 1954માં મૅટ્રિક. 1958માં ગુજરાતી-સંસ્કૃત સાથે બી.એ., ત્યારબાદ હાલોલ તથા ભરૂચમાં થોડો સમય શિક્ષક. 1961માં ગુજ. યુનિ.માંથી એમ.એ.. ત્યારબાદ વિવિધ કૉલેજોમાં અધ્યાપન.

1963થી 1966 સુધી અને 1972થી 1998માં નિવૃત્ત થયા ત્યાં સુધી ગૂજરાત વિદ્યાપીઠમાં ગુજરાતીના અધ્યાપક રહ્યાં.

1979માં ‘ઉમાશંકર જોશી : સર્જક અને વિવેચક’ વિષય પર વિદ્યાવાચસ્પતિ (પીએચ.ડી.) કર્યું. 1979થી 1984 સુધી ગૂજરાત વિદ્યાપીઠમાંથી લિયન પર, ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક. લા. સ્વાધ્યાય મંદિરના નિયામક રહ્યા.

ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત ગુજરાતી સાહિત્યકોશના સહસંપાદક (1980-82) તથા માનાર્હ સંપાદક (1982-84) રહ્યા. રાષ્ટ્રીય વ્યાખ્યાતા (1989-90). ગુજરાતી સાહિત્ય પરિષદનાં સામયિકો‘ભાષાવિમર્શ’ (1984-85) તથા ‘પરબ’ (1988-89)નું સંપાદન. 1998થી 2022 સુધી ‘ગુજરાતી વિશ્વકોશ’ના વિભાગીય સંપાદક, બાળવિશ્વકોશના સંપાદક તરીકે કાર્ય કર્યું.