November 23, 2024

‘વિકસિત ભારત-મોદીની ગેરંટી’ રથને જેપી નડ્ડાએ આપી લીલી ઝંડી

Sankalp Patra Sujhav Abhiyan: ભારતમાં આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ માટે તમામ પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરી રહી છે. લોકસભા ચૂંટણીને પગલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સોમવારે ‘સંકલ્પ પત્ર સુઝાવ અભિયાન’ શરૂ કર્યું હતું. આ સાથે ‘વિકસિત ભારત, મોદીની ગેરંટી’ રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ દરમિનયા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાએ દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર ખાતે બીજેપી રિઝોલ્યુશન કમિટીની બેઠકની અધ્યક્ષતા કરી હતી. જેમા નડ્ડાએ કહ્યું કે આપણે બધા જાણીએ છીએ કે આજે ‘વિકસિત ભારત-મોદીની ગેરંટી’ વિષય પર દેશભરમાં વીડિયો વાન દ્વારા 2024ની ચૂંટણીમાં આગામી પાંચ વર્ષ માટે જે લક્ષ્ય રાખ્યો છે જેના માટે જનતા-જનાર્દનના આશિર્વાદ અને સુઝાવ લેવાનું અમે બધાએ નક્કી કર્યું છે.

વિકસિત ભારતની વધુ એક લાંબી છલાંગ
જે.પી. નડ્ડાએ કહ્યું કે વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત, વિશ્વ મિત્ર ભારતના સપના જે 2014માં અકલ્પનીય હતા તે આજે મોદીજીના નેતૃત્વમાં સાકાર થઈ રહ્યા છે અને હવે ભારત અમૃતકાળમાં વિકસિત ભારત તરફ લાંબી છલાંગ લગાવવા માટે તૈયાર છે.

15 માર્ચ સુધીમાં પૂર્ણ કામગીરી કરવામાં આવશે
નડ્ડાએ વધુમાં કહ્યું હતું કે, ભાજપે નિર્ણય લીધો છે કે દેશના તમામ લોકસભા મતવિસ્તારોમાં વિડિયો વાન દ્વારા પીએમ મોદીજી દ્વારા વિકસિત ભારતના વિઝન સાથે કરવામાં આવેલા કાર્યો અને આ અમૃતકાલમાં કરવામાં આવી રહેલા કાર્યોને લગતી તમામ બાબતો ભારતની જનતા સમક્ષ રજૂ કરવામાં આવશે. આ સાથે અમે અમારા સંકલ્પ પત્રના સૂચનો મંગાવવાનું કામ પણ 15 માર્ચ સુધીમાં પૂર્ણ કરીશું.

એક કરોડથી વધુ સુઝાવ પત્રો પ્રાપ્ત થશે
જેપી નડ્ડાએ વધુમા ઉમેર્યું હતુ કે આ વીડિયો વાન આખા દેશમાં જશે અને 15 માર્ચ સુધીમાં 1 કરોડથી વધુ સુઝાવ પત્રો અમારી પાસે 15 માર્ચ સુધી પહોંચશે અને તેનો સમાવેશ કરીને અમારો સંકલ્પ પત્ર બનાવવામાં આવશે. જે 2024માં વિકાસ માટે એક લાંબી છલાંગ માટે હશે. દેશના લોકસભા મતવિસ્તારોમાં વીડિયો વાન દ્વારા અમે લગભગ 250 સ્થળોએ સમાજના વિવિધ વર્ગો સાથે સંવાદ કરીશું અને તેમના સૂચનો પણ સામેલ કરીશું. સાથે સાથે અમે તમારા સૂચનો અમને ખાસ મિસ્ડ કૉલ નંબર દ્વારા મોકલવાનો પ્રયાસ કરીશું.

નમો એપમાં પણ અલગ વિભાગ
જેપી નડ્ડાએ કહ્યું કે આ સિવાય નમો એપમાં આ માટે એક અલગ વિભાગ છે, જેની વિગતવાર માહિતી પણ આ વીડિયો વાન દ્વારા આપવામાં આવશે. અમારો સંકલ્પ છે કે જનતાની આકાંક્ષાઓ દરેક રીતે અમારા સુધી પહોંચવી જોઈએ અને મોદીજીના નેતૃત્વમાં અમે તેને 2024થી આવતા 5 વર્ષમાં પૂર્ણ કરીશું અને અમે વિકસિત અને અમૃતકાળમાં વિકસિત અને આત્મનિર્ભર ભારતની લાંબી છલાંગ લગાવીશું.