January 24, 2025

બે દિવસમાં 4.98 લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા

Ambaji: મા અંબાના ભાદરવી પૂનમના મહામેળાનો આજે ત્રીજો દિવસ છે. લાખો પદયાત્રિકો પદયાત્રા કરી અંબાજી તરફ જઈ રહ્યા છે. ત્યારે અનેક સેવા કેમ્પો આ પદયાત્રીઓની સેવા માટે તત્પર છે. ભાદરવી પૂનમના મહામેળાનો આજે ત્રીજો દિવસ છે ત્યારે છેલ્લા બે દિવસમાં 4.98 લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા છે ત્યાં જ બે દિવસમાં 521 ધજાનું ધજા રોહણ કરાયું છે.

મા અંબાના દર્શને જતા ભાવિક ભક્તોનું ઘોડાપૂર આવ્યું છે. બે દિવસમાં 92,500 યાત્રિકોએ ભોજન પ્રસાદ લીધું હોવાન માહિતી સામે આવી છે તો 4.5 લાખથી વધુ મોહનથાળના પેકેટનું વિતરણ ભકતોમાં કરાયું છે. ત્યાં જ બે દિવસમાં 7609 ચીકીના પેકેટનું વિતરણ કરાયું છે.

અંબાજી ભાદરવી પૂનમ મહામેળાનો ત્રીજો દિવસ
અંબાજી તરફ જતા માર્ગો પર શ્રદ્ધાનો સાગર છલકાયો છે. મહેસાણાથી અંબાજી જવા અનોખો સંઘ નીકળ્યો છે, જેમાં 251 ફૂટ ધજા સાથે મહેસાણાના યુવાનો પદયાત્રાએ નીકળ્યા છે. સમગ્ર પદયાત્રા દરમિયાન ધજા જમીન પર નહિ મુકાય તેવો ભક્તોએ નિર્ધાર કર્યો છે. હાલમાં ધજા સાથે નીકળેલા 100 યુવાનોએ રોડ ઉપર આકર્ષણ જમાવ્યું છે.

આ પણ વાંચો: દિલ્હી-NCRમાં મુશળધાર વરસાદ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

ભાદરવી પૂનમના મહામેળામાં પદયાત્રિકો પદયાત્રા કરી અને દૂર દૂરથી આવતા હોય છે. ત્યારે આ પદયાત્રીઓને વિસામો મળે ભોજન મળે અને થાક દૂર થાય તે માટે મેડિકલ સેવા મળે તે હેતુથી અનેક સેવા કેમ્પ સેવા કાર્યરત છે. સેવાભાવી સંસ્થાઓ અને વહીવટી તંત્ર પણ આપત્તિઓની સેવા માટે તત્પર છે. ત્યારે પાલનપુર અંબાજી હાઈવે પર પણ લાખો પદયાત્રીઓ પદયાત્રા કરી અને મા અંબાના ધામમાં જતા હોય છે.