December 16, 2024

ઓસામા બિન લાદેનનો પુત્ર હમઝા છે જીવિત, અલ કાયદાને ફરી કરી રહ્યો છે તૈયાર…

Hamza bin Laden alive: ખતરનાક આતંકવાદી ઓસામા બિન લાદેને 11 સપ્ટેમ્બર, 2001ના રોજ તેના આતંકવાદી હુમલાથી અમેરિકાને ચોંકાવી દીધું હતું. અમેરિકાની બે સૌથી ઊંચી ઈમારતો વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 3,000 લોકો માર્યા ગયા હતા. અમેરિકા અને દુનિયા પર આ સૌથી મોટો આતંકવાદી હુમલો હતો. આ હુમલાના માસ્ટરમાઈન્ડ ઓસામા બિન લાદેનને 2011માં પાકિસ્તાનના એબોટાબાદમાં અમેરિકન સીલ કમાન્ડોએ માર્યો હતો. તેનો પુત્ર હમઝા બિન લાદેન પણ 2019માં માર્યો ગયો હોવાના અહેવાલ હતા, પરંતુ હવે માહિતી મળી રહી છે કે તે જીવિત છે અને સમગ્ર વિશ્વમાં આતંકવાદની લહેર ઉભી કરવામાં ફરી એકવાર સક્રિય થઈ ગયો છે.

‘ધ મિરર’ના અહેવાલ મુજબ ઓસામા બિન લાદેનનો પુત્ર હમઝા જીવિત છે અને તે આતંકવાદી સંગઠન અલ કાયદાનો વિસ્તાર વધારવાનો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હમઝાની સાથે તેનો ભાઈ અબ્દુલ્લા બિન લાદેન પણ સક્રિય છે. આ સંબંધમાં નેશનલ મોબિલાઇઝેશન ફ્રન્ટ દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જે એન્ટિ-તાલિબાન લશ્કરી સંગઠન છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હમઝા તેના સાથીઓ સાથે અફઘાનિસ્તાનમાં કેમ્પ કરી રહ્યો છે. રિપોર્ટમાં લાદેનના પુત્રને ક્રાઉન પ્રિન્સ ઓફ ટેરર ​​કહેવામાં આવી રહ્યો છે. અહેવાલ છે કે તે ઉત્તરી અફઘાનિસ્તાનમાં કોઈ ઠેકાણે છુપાયેલો છે અને 450 સ્નાઈપર્સ તેની સતત સુરક્ષા કરી રહ્યા છે.

આ પણ વાંચો: Port Blair હવે ‘શ્રી વિજયપુરમ’ તરીકે ઓળખાશે, અમિત શાહે કરી જાહેરાત

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2021માં અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાની વાપસી બાદ સ્થિતિ વધુ ખરાબ થઈ છે. હવે અફઘાનિસ્તાનમાં તાલિબાનના રક્ષણ હેઠળ આતંકવાદી તાલીમ કેમ્પ ચાલી રહ્યા છે. એવા સમાચાર છે કે હમઝા બિન લાદેન પંજશીરના દારા અબ્દુલ્લા ખેલ જિલ્લા તરફ ગયો છે. તેની સુરક્ષા માટે લગભગ 450 અરબી અને પાકિસ્તાનીઓ ત્યાં તૈનાત છે, એટલું જ નહીં તેના આદેશ હેઠળ અલ કાયદાને ફરીથી સ્થાપિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અલ કાયદાના આતંકવાદીઓ પશ્ચિમી દેશોને નિશાન બનાવવાનો પ્રયાસ કરી શકે છે.

હકીકતમાં, આ રિપોર્ટ એ દાવાથી વિપરીત છે કે હમઝાની 2019માં હત્યા કરવામાં આવી હતી. ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે હમઝા અમેરિકન એરસ્ટ્રાઈકમાં માર્યો ગયો હતો. એવું માનવામાં આવે છે કે ઓસામા બિન લાદેનની હત્યા બાદ અલ કાયદાની કમાન સંભાળનાર અયમાન અલ-ઝવાહિરીના નેતૃત્વમાં હમઝાએ આતંકવાદી તાલીમ લીધી હતી. હમઝા બિન લાદેને 2019માં તેની હત્યાના સમાચાર પહેલા અમેરિકા સહિત ઘણા દેશોને હુમલાની ધમકી આપી હતી. જો કે તે સમયે હમઝાની હત્યા કરવામાં આવી હોવાનું કહેવાય છે, પરંતુ તે ક્યારે અને ક્યાં માર્યો ગયો તે જણાવવામાં આવ્યું ન હતું. અમેરિકી રક્ષા મંત્રાલય તરફથી પણ આ અંગે કંઈ કહેવામાં આવ્યું નથી.