માતૃવંદના ઉત્સવ: ગુજરાત સરકાર દ્વારા સિધ્ધપુર ખાતે ‘માતૃવંદના ઉત્સવ’ કાર્યક્રમ યોજાશે
પાટણ: ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર, પાટણના સંયુક્ત ઉપક્રમે પાટણ જિલ્લામાં માતૃગયા તીર્થ સિધ્ધપુર ખાતે આગામી તારીખ 24 અને 25 નવેમ્બર-2024ના રોજ સાંજે 8.00 કલાકે માતૃવંદના ઉત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બળવંત સિંહ રાજપૂતના હસ્તે માતૃવંદના ઉત્સવ કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવશે. ભારતભરમાં માતૃગયા તીર્થ અને માતૃ શ્રાદ્ધ માટે પ્રખ્યાત સિદ્ધ ક્ષેત્ર સિદ્ધપુરનું મહાત્મ્ય જાણીએ.
अन्व ष्टका सुनृधौच गया यांच क्षये हनि ।
अत्र मातु: पृथक् श्राद्धं अन्यत्र पतिना सह: ॥
गयाया योजनं स्वर्ग प्रयागे चार्ध योजनम् ।
श्री स्थले हस्तमात्रं च यत्न बिंदु सरस्वती ॥
અર્થાત, અહો! સરસ્વતીનું અને બિંદુ સરોવરનું કેટલું મહાત્મય છે? ગયાથી સ્વર્ગ છ માઈલ દૂર છે, પ્રયાગથી ૩ માઈલ દૂર છે, પણ સરસ્વતી તથા બિંદુ સરોવરથી માત્ર એક હાથને છેટે સ્વર્ગ આવેલું છે.
सिद्धक्षेत्रे तु या श्राद्धं वागीशा यस्य संन्निद्यौ ।
नमोस्तु देवदेवेश भूतर्षि पितृपोषकः ।
आ ब्रह्मस्तंबपर्यन्तं देवर्षि पितृमानवाः ।
तृण्यन्तु पितरः सर्वे मातृमातामहोदया ।।
एकोतरशतं चैव कुलानां तारणाय च ।
जलरुपेण सा देवी सर्व पापप्रनाशिनी ।।
અર્થાત, સિદ્ધ ક્ષેત્રમાં સરસ્વતી સામે બિંદુ સરોવર પર જે શ્રાદ્ધ કરે છે, માતાદિ પિતૃઓને જે પિંડ આપે છે, તેના પિતૃઓનો ઉદ્ધાર થાય છે ને મોક્ષ પામે છે. ઇકોતેર પેઢીના પિતૃઓને તારવાને અર્થે સરસ્વતી અત્રે જળરૂપે વહન કરે છે.
સિદ્ધપુર ખાતેનું બિંદુ સરોવર “પિંડ દાન” કરવા માટે સૌથી લોકપ્રિય સ્થળોમાંનું એક છે. એવું માનવામાં આવે છે કે આ એકમાત્ર એવું સ્થળ છે જ્યાં મહિલાઓ માટે પિંડ દાન કરવામાં આવે છે. અહીં પિંડનું દાન કરવાથી મૃત સ્ત્રી પૂર્વજોને શાંતિ મળે છે. હિન્દુ પરંપરા અનુસાર, સિદ્ધપુર, જેને માતૃગયા તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સ્થળ તરીકે પ્રખ્યાત છે જ્યાં પુત્ર તેની માતાનું ઋણ ચૂકવી શકે છે. હકીકતમાં, શાસ્ત્રોમાં તેનું વર્ણન કરવામાં આવ્યું છે કે જ્યાં સુધી મૃત પૂર્વજોની સંપૂર્ણ વિધિથી પૂજા ન થાય ત્યાં સુધી તેમની આત્માને શાંતિ મળતી નથી.
વર્ષ દરમિયાન માતૃતર્પણ માટે ભારતભરમાંથી શ્રદ્ધાળુઓ સિદ્ધપુર આવે છે. એમાંય ભાદરવા મહિનામાં શ્રાદ્ધપક્ષ અને ડોશીનોમના દિવસે માતૃ શ્રાદ્ધનો અનેરો મહિમા છે. ભાદરવા વદ નોમને ડોશીનોમ નિમિતે દેશભરમાંથી આવેલા શ્રદ્ધાળુઓ માતૃ તર્પણ કરી પિંડદાન કરી માતૃ ઋણમાંથી મૂક્ત બને છે. પવિત્ર બિંદુ સરોવર ખાતે તીર્થ ગોર દ્વારા મંત્રોચ્ચાર સાથે શાત્રોક્ત તર્પણવિધિ કરી સામુહિક માતૃતર્પણ વિધિ કરવામાં આવે છે.
સાંખ્ય દર્શનના પ્રણેતા મહામુનિશ્રી કપિલમુનિ, બ્રહ્માજીના માનસપુત્ર તેવા પિતાશ્રી કર્દમ મહામુનિ અને માતા દેવહુતિના પુત્ર હતા. જ્યારે સન્યાસ ધારણ કરવા અર્થે તેઓએ ગૃહત્યાગ કર્યો ત્યારે તેઓ માતૃશ્રીની આજ્ઞા લેવા ગયેલ તે સમયે તેઓના માતૃશ્રીએ પોતાના મૃત્યુ બાદ માતૃતર્પણ તેમણે કરવું તે શરતે ગૃહત્યાગ કરવા માટેની સંમતિ આપી હતી. માતૃશ્રી દેવહુતિનો સ્વર્ગવાસ થયો ત્યારે તેઓ સાધુ જીવન જીવતા હતા અને તેઓ સંસારમાં પરત આવી શકે તેમ ન હતા. ત્યારે મુનિશ્રીએ પોતાના તપોબળથી જે જગ્યા પર તપ કરતા હતા તે ભૂમિ પર સરસ્વતિ નદીને આહ્વાન કરતાં હાલના સિધ્ધપુર (શ્રી સ્થળ) ની પૂણ્ય ભૂમિ પર સરસ્વતિ પધાર્યાં હતા અને મુનિશ્રીએ તેમની માતાનું તર્પણ કર્યું હતું. તે માતૃતર્પણ દિનને “માતૃવંદના” તરીકે ઉજવવામાં આવે છે.
એક માન્યતા એવી પણ છે કે ભગવાન પરશુરામજીએ પોતાની માતાનું શ્રાદ્ધ સિદ્ધપુરમાં બિંદુ સરોવરના કિનારે કર્યું હતું. માતૃ હત્યાના પાપથી મુક્ત થવા માટે ઋષિ પરશુરામે અહીં કર્મકાંડ કર્યું હતું. સિદ્ધપુરમાં એક પીપળાનું પવિત્ર ઝાડ છે, જેને મોક્ષ પીપળો કહેવામાં આવે છે અને મોક્ષ પીપળા ઉપર પુત્ર માતાના મોક્ષ માટે પ્રાર્થના કરે છે. આથી માતૃ શ્રાદ્ધ માટે આ ક્ષેત્ર ભારતભરમાં પ્રખ્યાત છે.