November 6, 2024

ભારે વિરોધ વચ્ચે મંડીમાં મસ્જિદના 2 ગેરકાયદે માળ તોડી પાડવાનો આદેશ, 30 દિવસનો સમય આપ્યો

Mandi Mosque Case: હિમાચલ પ્રદેશના મંડી શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરની કોર્ટે જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરીને બનાવવામાં આવેલી મસ્જિદને તોડી પાડવાની માંગ કરતા ભારે વિરોધ વચ્ચે મોટો આદેશ આપ્યો છે. ગેરકાયદેસર મસ્જિદના બે માળ તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર એચએસ રાણાની કોર્ટે આ માટે એક મહિના (30 દિવસ)નો સમય આપ્યો છે. અગાઉ, મંડી વહીવટીતંત્રે જાહેરાત કરી હતી કે મંડીમાં આવેલી ગેરકાયદેસર મસ્જિદને સીલ કરવામાં આવશે.

મંડી મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરે આદેશમાં શું કહ્યું?
મંડી મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર એચએસ રાણાએ કહ્યું કે, અમે આ કેસની સુનાવણી ત્રણ મહિનામાં પૂરી કરી છે. સુનાવણી દરમિયાન અમને જાણવા મળ્યું કે મસ્જિદમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું છે કારણ કે બાંધકામની મંજૂરી લેવામાં આવી ન હતી. કોઈ નકશો પાસ નથી કરાવ્યો. આથી અમે 30 દિવસમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવાનો આદેશ કર્યો છે. મસ્જિદને તેના જૂના સ્વરૂપમાં લાવવી પડશે જો મસ્જિદ કમિટી પોતે ગેરકાયદે બાંધકામ નહીં તોડી નાખશે. મસ્જિદ કમિટી 30 દિવસમાં ઉચ્ચ અદાલતમાં અપીલ પણ કરી શકે છે.

પ્રદર્શનકારીઓ પર વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો
પોલીસે શુક્રવારે મંડી શહેરમાં ગેરકાયદેસર રીતે જમીન પર કબજો કરીને બાંધવામાં આવેલી મસ્જિદને તોડી પાડવાની માંગ સાથે વિરોધ કરી રહેલા હિન્દુ સંગઠનો સાથે સંકળાયેલા લોકોને વિખેરવા માટે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. દેખાવકારોએ પહેલા મંડી બજાર વિસ્તારમાં માર્ચ કાઢી અને પછી સેરી મંચ પર ધરણા પર બેસી ગયા હતા. બાદમાં, જ્યારે તેઓએ મસ્જિદ તરફ જવાનો પ્રયાસ કર્યો, ત્યારે પોલીસે તેમને અટકાવ્યા અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વોટર કેનનનો ઉપયોગ કર્યો. હિંદુ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શનના એલાનને પગલે પોલીસે બજારમાં ભારે ફોર્સ તૈનાત કરીને સુરક્ષા વધારી દીધી છે.

મંડીમાં મસ્જિદને લઈને શું છે વિવાદ?
આ ત્રીસ વર્ષ જૂની 3 માળની મસ્જિદ મંડી શહેરના જેલ રોડ પર છે. આરોપ છે કે તેનો બીજો માળ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યો હતો. મસ્જિદની સાથે દિવાલ બનાવીને સરકારી જમીન પર અતિક્રમણ કરવાનો પણ આરોપ છે. જોકે મસ્જિદ કમિટી દ્વારા જ આ દિવાલ તોડી પાડવામાં આવી છે. આરોપ છે કે મંડીના જેલ રોડ પરની મસ્જિદમાં પરવાનગી વગર બે માળનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ અંગેનો કેસ જૂન 2024થી મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરની કોર્ટમાં ચાલી રહ્યો છે. આ મસ્જિદની જમીન મુસ્લિમ મહિલાના નામે છે. લગભગ ત્રીસ વર્ષ પહેલા બનેલી એક માળની મસ્જિદ પર આ વર્ષે માર્ચમાં બે માળ બનાવવામાં આવ્યા હતા.

મહાનગરપાલિકાએ જૂન મહિનામાં કામ બંધ કરવાની નોટિસ આપી હતી. જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે કેટલીક જમીન પીડબલ્યુડીની હોવાનું જાણવા મળ્યું હતું. રોડને અડીને આવેલી દિવાલ પણ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી હતી. ગેરકાયદેસર બાંધકામ અને અતિક્રમણ ઉપરાંત આ મસ્જિદમાં બહારથી આવતા અને રહેતા લોકો સામે સ્થાનિક લોકોને વાંધોએ વાંધો ઉઠાવ્યો હતો. સ્થાનિક લોકોનો આરોપ છે કે મસ્જિદની આસપાસ બહારના લોકો રહેવા લાગ્યા છે અને વિસ્તારની વસ્તીને પણ અસર થઈ રહી છે.

હિન્દુ સંગઠનોનો આ આરોપ છે
કેટલાક હિંદુ સંગઠનોનો એવો પણ આરોપ છે કે સદીઓ પહેલા આ મસ્જિદની જગ્યા પર એક મંદિર હતું, જે રાજાએ તેમના એક મુસ્લિમ વણકરને નમાઝ પઢવા માટે આપ્યું હતું. સ્થાનિક લોકોની માંગ છે કે આ મસ્જિદની નીચે ખોદકામ કરવામાં આવે અને પુરાતત્વ વિભાગે મસ્જિદની નીચે મંદિર છે કે કેમ તેની તપાસ કરવી જોઈએ. જો કે, હિંદુ સંગઠનોના આ દાવાના કોઈ નક્કર પુરાવા હજુ સુધી સામે આવ્યા નથી.