January 19, 2025

અરવલ્લી જિલ્લાની 7 સરકારી પ્રાથમિક શાળાઓને બંધ કરવા આદેશ

સંકેત પટેલ, અરવલ્લી: એક તરફ ગુજરાતમાં સરકાર દ્વારા સરકારી શાળાઓમાં શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને સરકારી શાળાઓમાં પોતાના બાળકોને ભણાવવા માટે વાલીઓને અપીલ કરવામાં આવી છે તો રાજ્યમાં ઘણી એવી શાળાઓ છે જેને વિદ્યાર્થીઓની ઓછી સંખ્યાને કારણે બંધ કરવાનો વારો આવ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લાની અનેક સરકારી શાળાની સ્થિતિ પણ હાલ આવી જ થઈ ગઈ છે. અરવલ્લી જિલ્લાની 7 પ્રાથમિક શાળાઓને બંધ કરવાનો અરવલ્લી જિલ્લાના DPEO દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઇ પ્રાથમિક શિક્ષણ નિયમો હેઠળ 10થી ઓછા વિદ્યાર્થીઓની સંખ્યાની શાળાઓ બંધ કરવામાં આવી છે.

 રાજયના શિક્ષણ વિભાગ દ્વારા જુદીજુદી જોગવાઈઓ, ઠરાવ, શિક્ષણનિયમો અને શિક્ષણ અધિકાર નિયમો અંતર્ગત 10 કે તેથી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી પ્રાથમિક શાળાઓ બંધ કરવા આદેશ કરાયો હતો. આ આદેશ અન્વયે અરવલ્લીની 7 પ્રાથમિક શાળાઓને સદંતર બંધ કરવા અને 2 પ્રાથમિક શાળાઓમાં ધોરણો 1 થી 5 બંધ કરવાનો જિલ્લા શિક્ષણ સમિતિના નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આ નિર્ણયને પગલે આ 7 શાળાઓને હવે ખંભાતી તાળા વાગશે. જયારે, આ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને નજીકની શાળામાં પ્રવેશ આપવમાં આવશે. અરવલ્લી જિલ્લાની બંધ થનાર શાળાઓની વાત કરવામાં આવે તો મોડાસાની સાકરીયા કંપા, કરસનપુરા કંપા અને મુન્શીવાળા સ્કૂલ તેમજ બાયડ તાલુકાની બાદરપુરા, વટવટીયા, મેઘરજ તાલુકાની માલકંપા ભિલોડાની મોતીપુરા માલપુરની પીપલાણા શાળાઓ બંધ થશે.

જિલ્લામાં 7 શાળાઓ કાયમી ધોરણે જયારે 2 શાળાઓના 7 વર્ગો બંધ કરવાના આદેશને પગલે આ શાળાઓમાં અભ્યાસ કરતા 75 બાળકોને નવી શાળામાં ભણવા જવાનો વારો આવશે. આવા વિદ્યાર્થીઓને જરૂરીયાત મુજબ ટ્રાન્સપોર્ટેશન સુવિધા પણ પૂરી પાડવામાં આવશે. જયારે, બંધ થનાર શાળા કે ધોરણથી વધ પડતાં શિક્ષકોને જે શાળામાં એક જ શિક્ષક હોય કે જે શાળામાં શિક્ષકની ઘટ હોય તેવી શાળાઓમાં સેવા આપવા આદેશ કરાશે. જોકે આવા ફાજલ પડનાર શિક્ષકોએ વધ-ઘટ બદલી કેમ્પમાં શાળા પસંદગી કરવાની રહેશે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણણા આ નિર્ણય થી વાલીઓ મુંજવણમાં મુકાયા છે. વાલીઓ બાળકના ચિંતા કરતા કહ્યું ક્યારે બાળકની શાળા બદલાશે? ક્યારે ટ્રાંસપોર્ટશન સેવા શરૂ થશે? તેમજ વાલીઓની એ પણ માંગ છે કે આ સ્કૂલો બંધ કરવા કરતાં મર્જ કરવામાં આવે. જેના કારણે ભવિષ્યમાં સ્કૂલમાં બાળકો થાય તો ફરી એ સ્કૂલ શરૂ કરવામાં આવે.