December 26, 2024

નીતા ચૌધરી વિરુદ્ધ તમામ પુરાવાઓ સહિતની સત્યતા મામલે સોગંદનામુ કરવા આદેશ: હાઇકોર્ટ

જયેશ ચૌહાણ, અમદાવાદ: બુટલેગર સાથે સંબંધો સામે આવ્યા બાદ પહેલા ફરાર થયેલ બાદમાં ATS દ્વારા ધરપકડ કરવામાં આવેલ મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીની અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટમાં નીતા ચૌધરીના વકીલે રજૂઆત કરતાં કહ્યું હતું કે નીતા માત્ર બુટલેગરની કારમાં કો-પેસેન્જર હતી અને તે નિર્દોષ છે.

તો નીતા ચૌધરીના વકીલની રજૂઆતની સામે હાઇકોર્ટે ટકોર કરી હતી કે આ ખૂબ ગંભીર આક્ષેપ છે, ખાલી કો-પેસેન્જરનો સવાલ નથી. તમે જીવનમાં કરો છો શું, નિર્દોષ હતા તો ભાગતા શું કામ હતા? વધુમાં, નીતા ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતી હોવાની દલીલ સામે કોર્ટે ટકોર કરી હતી કે તો શું તેઓ બુટલેગર સાથે ડ્યુટી નિભાવી રહ્યા હતા? શું તમે બુટલેગરને સેફ પેસેજ આપી રહ્યા છો?

ગુજરાત હાઇકોર્ટમાં નીતા ચોધરીનાં વકીલે નિવેદન આપતા વધુમાં જણાવ્યું હતું કે નીતા ચૌધરીને અધિકારીઓ દ્વારા કેટલાક કામ આપ્યા હતા અને તે કામ માટે જ બુટલેગરનાં સંપર્કમાં હતી. જેની સામે, હાઇકોર્ટે સવાલ કર્યો હતો કે શું આ વાત રેકોર્ડ પર છે કે તમે કોર્ટને ગુમરાહ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો? તમે પોલીસકર્મી છો, તેની સાથે પ્રવાસ કરી રહ્યા હતા અને તમારા પર ગંભીર આક્ષેપ છે. શું તમારી ફરજ નતી કે તમે ગાડી ચઢાવનારને રોકો? તમે જેની સાથે ફરી રહ્યા હતા તેના વિરુદ્ધ 22 ગુનાઓ દાખલ થયા છે.

હાઇકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે કોઈ સામાન્ય માણસ હોય તો ખ્યાલ ન આવે કે ક્રિમીનલ છે, તમે તો CIDમાં હતા. તમારા જિલ્લાના આરોપીઓ વિશે ખ્યાલ ન હોય? શું તમારા અધિકારીને જાણ હતી કે તમે આમ કરી રહ્યા છો, પોલીસ પાસે શું અપેક્ષા હોય છે? તો, નીતા ચૌધરી દ્વારા કરવામાં આવેલ અરજીનો હાઇકોર્ટમાં રાજ્ય સરકાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સરકારી વકીલે રજૂઆત કરતાં કહ્યું હતું કે 187થી વધુ ફોન કોલ્સ સહિતની બાબતો મળી આવી છે.

તો સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારને નિર્દેશ આપીને નીતા વિરુદ્ધ તમામ પુરાવાઓ સહિતની સત્યતા મામલે સોગંદનામુ કરવા આદેશ આપવામાં આવ્યો છે. સમગ્ર મામલે હવે આગામી 25 જુલાઇના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.