વાલિયાના 18 ગામોમાં સૂચિત લિગ્નાઇટ પ્રોજેકટનો વિરોધ, લોક સુનાવણીમાં MLA ચૈતર વસાવા હાજર

જય વ્યાસ, ભરૂચ: વાલીયા તાલુકાના 18 ગામોમાં જીએમડીસીના સૂચિત લીગ્નાઈટ પ્રોજેક્ટ માટે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઇ હતી. જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા સહિત સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
ભરૂચના વાલિયા તાલુકાના સોડગામ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા અને જી.પી.સી.બીના પ્રાદેશિક અધિકારી વી.ડી.રાખોલીયાની અધ્યક્ષતામાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી અંકલેશ્વર દ્વારા વાલિયા તાલુકાના 18 ગામોમાં જી.એમ.ડી.સી.ના લિગ્નાઇટ પ્રોજેકટ માટે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ હતી. આ લોક સુનાવણીમાં ચોરઆમલા, ઈટકલા, રાજગઢ, સિંગલા, સોડગામ, ઉમરગામ, વાંદરિયા, વિઠ્ઠલગામ, ભરાડીયા, કેસરગામ, કોસમાડી, લુણા, સીનાડા, તુના, જબૂગામ, ભામાડીયા, ડહેલી, પીઠોર સહિતના 18 ગામના લોકોએ ભાગ લીધો હતો.
આ લોક સુનાવણીમાં ધારાસભ્ય ચૈતર વસાવા, પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા, દિલીપ વસાવા અને અનિલ ભગત તેમજ શરલાબેન વસાવા, બળવંતસિંહ ગોહિલ સહિત અસરગ્રસ્ત ગામોના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે ધારાસભ્ય ચૈત્ર વસાવા સહિતના આગેવાનોએ જીએમડીસી નો લિગ્નાઇટ પ્રોજેક્ટ 18 ગામના લોકો માટે વિનાશકારી હોવાનો આક્ષેપ કર્યો હતો અને સરકાર પાણીના ભાવે જમીન લઈ લેશે તેઓ પણ ભય વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ અંગે ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, તમામ ગ્રામસભાએ નામંજૂરનો ઠરાવ કર્યો હતો તેમ છતાં આ પ્રોજેક્ટની પર્યાવરણીય મંજૂરી માટે લોક સુનાવણી યોજાય છે જેનો તમામે સખત શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે. આજે સંવિધાન અને સંવાદની રીતે વિરોધ કર્યો છે, પરંતુ આવનારા દિવસોમાં જો તેઓની માગ ન સ્વીકારવામાં આવે તો આરપારની લડાઇની તેઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.