ગઢડા નગરપાલીકાના વિપક્ષ નેતાએ રમાઘાટ ડેમમાં પાણી છોડવા ચિફ ઓફિસરને લેખિત રજૂઆત કરી

બોટાદ: ગઢડા શહેરમાં ઘેલો નદી વિસ્તારમાં આવેલા રમાઘાટ ડેમમાં પાણી છોડવાના મામલે નગરપાલીકાના વિપક્ષ નેતાએ ચિફ ઓફિસરને લેખિત રજૂઆત કરી ડેમમાં પાણી છોડવામાં આવે તેવી માગ કરી હતી.
ગઢડા નગરપાલીકાના વિપક્ષ નેતા મીતભાઈ ડાંગર અને સદસ્ય કલ્પેશભાઈ ચાવડાએ ગઢડાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે. ઘેલો નદી શહેરના તમામ વિસ્તારમાં પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત છે. નગરપાલિકાના બે મહત્વપૂર્ણ કૂવા આવેલા છે – એક ઘેલા નદીના કાંઠે અને બીજો વોકળીના કાંઠે ભડલીના ઝાંપે.
આ બંને કૂવાઓમાં પાણીનો મુખ્ય સ્ત્રોત ઘેલો નદી છે. હાલ ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. નદી પર આવેલા ડેમમાંથી અન્ય વિસ્તારોમાં કેનાલ દ્વારા પાણી આપવામાં આવે છે. જો ડેમમાંથી ઘેલો નદી ભરવામાં આવે તો ગઢડા વિસ્તારને મોટો ફાયદો થશે.
વધુમાં, મળતી માહિતી મુજબ નર્મદા નદીની મુખ્ય નહેર રિપેરિંગના કામ માટે બંધ કરવામાં આવશે. આના કારણે નર્મદાની કેનાલથી મળતું પાણી સંપૂર્ણપણે બંધ થઈ જશે. આવી સ્થિતિમાં જો ઘેલો નદી ભરવામાં આવે તો નર્મદાનું પાણી ન મળે તો પણ ગઢડાના નાગરિકોને પીવાના પાણીની સમસ્યા નહીં સર્જાય. આ બાબતે ગઢડા નગરપાલીકાના વિપક્ષ નેતાએ આગોતરા આયોજન માટે ઘેલો નદીમાં પાણી ભરાવવાની માંગણી કરી છે.