‘ડબલ ઢોલકી’ પાકિસ્તાન, આતંકવાદીઓના નમાઝ-એ-જનાજામાં સેનાના અધિકારીઓની હાજરી

Operation Sindoor: પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતીય સેના દ્વારા સતત થઈ રહેલા હુમલાઓને કારણે પાકિસ્તાનમાં ભયનો માહોલ છે. સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા નવ સ્થળોએ આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કર્યો છે. આ દરમિયાન પાકિસ્તાની સેનાના કર્મચારીઓ અને મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદના પ્રતિબંધિત સંગઠન જમાત-ઉદ-દાવાના સભ્યો બુધવારે ત્રણ લોકોની દફનવિધિમાં હાજરી આપી હતી. બુધવારે મુરીદકેમાં ભારતીય સેનાના હવાઈ હુમલામાં ત્રણેય માર્યા ગયા હતા. મુરીદકે લાહોરથી લગભગ 40 કિલોમીટર દૂર છે.
જમાત-ઉદ-દાવાની રાજકીય પાંખ પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગના પ્રવક્તા તાબીશ કયુમે જણાવ્યું હતું કે, કડક સુરક્ષા વચ્ચે કારી અબ્દુલ મલિક, ખાલિદ અને મુદસ્સીરના દફનવિધિની નમાજ અદા કરવામાં આવી હતી. કય્યુમ પોતે પણ અંતિમ સંસ્કારમાં હાજર હતા. તેમણે કહ્યું કે, નાગરિક વહીવટીતંત્રના અધિકારીઓએ પણ અંતિમ સંસ્કારમાં ભાગ લીધો હતો.
ભારતની લશ્કરી કાર્યવાહીથી ગુસ્સે ભરાયેલા કય્યુમે કહ્યું કે, ભારત દ્વારા કરવામાં આવેલા હુમલાનો જવાબ આપવામાં આવશે. જ્યારે હુમલો થયો ત્યારે આ ત્રણ લોકો મસ્જિદની નજીકના એક રૂમમાં સૂતા હતા અને મસ્જિદનો નાશ થયો હતો. પાકિસ્તાનીઓ મલિક, ખાલિદ અને મુદાસિર, જમાત-ઉદ-દાવાના સભ્યો હોવાનું કહેવાય છે અને તેઓ મસ્જિદના ઇમામ અને સંભાળ રાખનારા હતા. નમાઝ-એ-જનાઝા પછી ત્રણેયના મૃતદેહને દફનાવવા માટે તેમના વતન વિસ્તારોમાં મોકલવામાં આવ્યા હતા.