December 25, 2024

OPEN AIના સહ સ્થાપકે શરૂ કરી પોતાની કંપની, CHAT GPT સામે જોખમ ખરૂ?

OPEN AI: કંપની OpenAI થી અલગ થયા પછી, Ilya Sutskever તેની નવી કંપની બનાવી છે. તેમની કંપનીનું નામ સેફ સુપરિન્ટેલિજન્સ ઇન્ક (SSI) છે. આ કંપનીનો ઉદ્દેશ્ય એવી AI ટેકનોલોજી વિકસાવવાનો છે જે સુરક્ષિત અને અદ્યતન હોય. ઇલ્યા સુતસ્કેવર અગાઉ OpenAI ના સહ-સ્થાપક અને મુખ્ય વૈજ્ઞાનિક હતા. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, ChatGPTને તૈયાર કરવામાં આ ટેકનોક્રેટનો સિંહ ફાળો છે. તેમણે ગયા મહિને જ OpenAIમાંથી રાજીનામું આપ્યું હતું. જોકે, એ અપેક્ષિત હતું કે, તેઓ આગામી સમયમાં કંઈક મોટું કરવા જઈ રહ્યા છે. જોવાનું એ રહે છે કે, એમની કંપનીનું મોટું ઉત્પાદન શું હોઈ શકે છે અને તે ટેકનોલોજીને કઈ નવી દિશા આપી શકે છે અથવા નવી દિશાને ખોલી શકે છે.

કારકિર્દીમાં મોટો ફેરફાર
ઈલ્યા OPEN AI સહ-સ્થાપક અને મુખ્ય વૈજ્ઞાનિક હતા. જોકે, OPEN AIથી અલગ થયા બાદ તેણે સેફ સુપરિન્ટેલિજન્સ ઇન્ક (એસએસઆઈ)નામની કંપની શરૂ કરી છે. આ ટેકનોક્રેટે તેમની કારકિર્દીમાં મોટો ફેરફાર કર્યો છે. SSI ની શરૂઆત ઇલ્યાએ Apple AIના ભૂતપૂર્વ લીડ ડેનિયલ ગ્રોસ અને ભૂતપૂર્વ OpenAI એન્જિનિયર ડેનિયલ લેવી સાથે કરી હતી. આ કંપનીનો ઉદ્દેશ્ય એક શક્તિશાળી AI બનાવવાનો છે, જેમાં ક્ષમતાઓ સાથે સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવે છે.

આ પણ વાંચો: ફોલ્ડેબલ ફોન બાદ હવે સોનીનો કેમેરા ધરાવતો ફોન, DSLRને ટક્કર મારે એવું રિઝલ્ટ

નવી કંપની વિશેની માહિતી
ઇલ્યાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની નવી કંપની વિશે માહિતી આપી છે. તેણે લખ્યું, ‘હું નવી કંપની શરૂ કરી રહ્યો છું.’ અન્ય એક ટ્વીટમાં તેણે લખ્યું કે નવી કંપની ‘એક સીધી દિશા, એક ફોકસ, એક ધ્યેય અને એક પ્રોડક્ટ, સુરક્ષિત સુપર ઇન્ટેલિજન્સ’ માટે કામ કરશે. SSI ની જાહેરાત કરતાની સાથે તેમણે પોતાની કંપનીનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કર્યો હતો. જેનો ઉદ્દેશ્ય AI ટેક્નોલોજી પર કામ કરવાનો છે, પરંતુ સુરક્ષાને પ્રથમ રાખીને. એમનું વિઝન સ્પષ્ટ છે, તેમણે એવું ઉત્પાદન બનાવવું પડશે જે અદ્યતન હોય અને સલામત હોય. તેનું OpenAI છોડવાનું કારણ પણ આ જ હતું. સારી વાત છે કે, નવી કંપનીથી વધુ એક સુરક્ષિત ફીચર્સ અંગે નવા એંધાણ બંધાઈ રહ્યા છે.

ચર્ચાના કેન્દ્રમાં રહેલો વ્યક્તિ કોણ?
ઇલ્યા ગયા વર્ષે પણ સમાચારમાં રહ્યા હતા. તે સમયે ચર્ચાનું કારણ ઓપનએઆઈમાંથી સેમ ઓલ્ટમેનની હકાલપટ્ટી હતી. ગયા વર્ષે નવેમ્બરમાં સેમ ઓલ્ટમેનને કંપનીમાંથી હટાવનારાઓમાં ઇલ્યા સુતસ્કેવરનો સમાવેશ થાય છે. સેમ માત્ર 5 દિવસમાં OpenAI માં પાછા ફર્યા હતા. કંપનીઓ કે કોર્પોરેટમાં અંદરખાને રાજરમત આપણે ત્યાં જ છે એવું નથી. ટેકનોલોજીની માર્કેટ અને કંપની બન્નેમાં છે એ વાત સાબિત થઈ ચૂકી છે. સેમના પાછા ફર્યા પછી પણ તેઓ કંપનીમાં જ રહ્યા, તે ફરી ક્યારેય કામ પર આવ્યા નહીં. OpenAI માં તેઓએ જાન લેઇક સાથે મળીને સુપરએલાઈનમેન્ટ ટીમનું નેતૃત્વ કર્યું. જાન પણ OpenAI છોડીને મે મહિનામાં એન્થ્રોપિકમાં જોડાઈ ગયા.

ટેકલોજીમાં થશે કંઈક નવા જૂની
SSI વિશે વાત કરીએ તો, આ કંપની હાલમાં તેની ટીમ તૈયાર કરી રહી છે. તેણે પાલો અલ્ટો, કેલિફોર્નિયા અને તેલ અવીવમાં પોતાની ઓફિસ સ્થાપી છે. કંપની હાલમાં નવા લોકોને હાયર કરી રહી છે, જેથી તેઓ તેમના મિશનને આગળ ધપાવી શકે. આ કંપનીની સ્થાપના નફાકારક એન્ટિટી તરીકે કરવામાં આવી છે. જોવાનું એ રહે છે કે, નવી કંપનીથી એઆઈ આધારિત કંપનીઓે તથા ડિવાઈસને હરીફાઈ તો મળશે પણ આપણા ખિસ્સા પર કેટલી અને કેવી અસર થશે. બીજી એક ખાસ વાત એ પણ નોંધવા જેવી છે કે, ટેકનોલોજીની માર્કેટમાં હવે ચોક્કસથી કોઈ નવી પ્રોડક્ટ આવી શકે છે જે નવા ડિવાઈસને નવો આકાર આપી શકે છે.