January 24, 2025

‘પેલેસ્ટાઈનને સ્વતંત્ર રાજ્ય બનાવ્યા બાદ જ…’, સાઉદી ક્રાઉન પ્રિન્સે ઈઝરાયલને આપ્યું અલ્ટીમેટમ

Israel-Palestine conflict: સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને પેલેસ્ટાઈનની આઝાદીનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું છે કે સ્વતંત્ર પેલેસ્ટાઈન રાજ્ય વિના સાઉદી અરેબિયા ઈઝરાયલને માન્યતા નહીં આપે. આ સિવાય તેણે પેલેસ્ટિનિયન લોકો પર ઈઝરાયલના કબજાની પણ ટીકા કરી છે. તેમણે કહ્યું કે સાઉદી કિંગડમ સ્વતંત્ર પેલેસ્ટાઈન રાજ્યની માંગનું સમર્થન કરે છે. તેની રાજધાની પૂર્વ જેરુસલેમ હશે.

ઈઝરાયલને મોટો ફટકો પડ્યો
સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને કહ્યું, ‘સાઉદી કિંગડમ પેલેસ્ટાઈનની આઝાદી વિના ઈઝરાયલ સાથે સંબંધ સ્થાપિત કરશે નહીં. અમેરિકા લાંબા સમયથી બંને દેશો વચ્ચેના સંબંધોને સામાન્ય બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ ગયા વર્ષે 7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયલ પર હુમલો કર્યો હતો. આ હુમલા બાદ આ યોજનાને ફટકો પડ્યો છે. ઇઝરાયલની નજીક આવવાને સાઉદી અરેબિયાની નીતિમાં મોટા ફેરફાર તરીકે જોવામાં આવ્યું હતું.

બંને દેશો વચ્ચેના સંબંધો સુધરી રહ્યા હતા
હમાસના હુમલા પહેલા સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને સંકેત આપ્યો હતો કે સાઉદી અરેબિયા ઈઝરાયલ સાથે કરારની નજીક જઈ રહ્યું છે. અમેરિકા લાંબા સમયથી આ બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવામાં વ્યસ્ત હતું. આ દરમિયાન સાઉદી અરેબિયાએ અમેરિકા સમક્ષ એક શરત મૂકી હતી કે ઈઝરાયલ સાથે સંબંધો સામાન્ય કરવાના બદલામાં તે તેમની સાથે સંરક્ષણ કરાર કરે.

આ પણ વાંચો: મંકીપોક્સથી ભારતીયોએ ડરવું જોઈએ? જાણો કયો દેશ છે હોટસ્પોટ અને વેક્સિન કેટલી અસરકારક?

ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને શૂરા કાઉન્સિલને તેમના વાર્ષિક સંબોધનમાં તેમના પિતા કિંગ સલમાન વતી આ નિવેદન આપ્યું હતું. અગાઉ કાઉન્સિલે તેમની સામે હોદ્દાના શપથ લીધા હતા. તમને જણાવી દઈએ કે ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને ઘણા દેશો યુદ્ધવિરામની માંગ કરી રહ્યા છે.