December 17, 2024

સુરતમાં નકલીનો વેપલો, ઓનલાઇન નકલી લીકવિડના વેચાણનો પર્દાફાશ

અમિત રૂપાપરા, સુરત: ડાયમંડ સિટી સુરતમાંથી નકલી ઘી, નકલી દવા, નકલી કોસ્મેટિક્સ અને હવે સાફસફાઈમાં ઉપયોગમાં લેવાતા નકલી લીકવિડના વેચાણનો પર્દાફાશ થયો છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી માતૃશ્રી કંપાઉન્ડના એક ગોડાઉનમાં નામાંકિત કંપનીઓના નામે નકલી લિક્વિડ પ્રોડક્ટ તૈયાર કરવામાં આવતું હતું. મુંબઈની નામાંકિત કંપનીના ફિલ્ડ ઓફિસરને આ અંગેની માહિતી મળતા સરથાણા પોલીસને સાથે રાખી અહીં છાપો મારવામાં આવ્યો હતો. જે દરમિયાન પોલીસ અહીં છાપો મારી નામાંકિત કંપનીના લેબલ મારેલા ડેટોલ,હારપિક અને ડેટોલની નકલી લીકવિડ પ્રોડક્ટ મોટી માત્રામાં મળી આવી હતી. જે લિક્વિડ પ્રોડક્ટનું flipkart અને amazon પર ઓનલાઇન વેચાણ કરવામાં આવતું હતું. પોલીસે સ્થળ પરથી 4.39 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરી પ્રકાશ મૌર્ય નામના શખ્સની ધરપકડ કરી હતી. જ્યાં વધુ તપાસ સરથાણા પોલીસે હાથ ધરી છે.

સુરતમાં આમ તો જે જોઈએ તે વસ્તુઓ હવે નકલીના રૂપમાં સરળતાથી મળી રહે છે. વીતેલા દિવસોમાં સુરતમાંથી નકલી ઘી, નકલી કોસ્મેટિક્સ અને હવે ઘરની સાફસફાઈના વપરાશમાં લેવાતી લિક્વિડ પ્રોડક્ટ પણ નકલી મળી આવી છે. સરથાણા પોલીસ મથક પાસેથી મળેલી માહિતી અનુસાર, નામાંકિત કંપનીના નામે નકલી લિક્વિડ પ્રોડક્ટ વેચાણ કરવામાં આવી રહી હોવાની માહિતી કંપનીના ફિલ્ડ ઓફિસર બાબુ પટેલ દ્વારા સરથાણા પોલીસને આપવામાં આવી હતી. પોલીસે ગતરોજ સરથાણા વિસ્તારમાં આવેલા માતૃશ્રી કમ્પાઉન્ડના પતરાના શેડ બનાવેલા એક ગોડાઉનમાં કંપનીના ફિલ્ડ ઓફિસરને સાથે રાખી છાપો માર્યો હતો. જે દરમિયાન અહીંથી મોટી માત્રામાં નામાંકિત ડેટોલ હારપિક સહિત લાઇઝોલ કંપનીના લિક્વિડ પ્રોડક્ટ નો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો. જેની તપાસ કરતાં તમામ જથ્થો નકલી હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે નજીકમાં જ આવેલા એ ગોડાઉન માંથી રો મટીરીયલ્સ ની ખરીદી કરી તેમાંથી આ લિક્વિડ પ્રોડક્ટ બનાવવામાં આવતી હતી. પાંચ લિટરના પ્લાસ્ટિકના કારબામાં આ લીક્વીડ ભરી ત્યારબાદ નામાંકિત કંપનીઓના લેબલ લગાડવામાં આવતા હતા. ઉપરાંત નામાંકિત કંપનીના નામે flipkart અને amazon પર આ નકલી પ્રોડક્ટનું ઓનલાઈન વેચાણ કરવામાં આવતું હતું. સરથાણા પોલીસે નકલી લિક્વિડ પ્રોડક્ટનું વેચાણ કરતા પ્રકાશ મૌર્ય નામના શખ્સની ધરપકડ કરી હતી. જ્યારે ગોડાઉનમાંથી અલગ અલગ નામાંકિત કંપનીઓના નામે બનાવવામાં આવેલ નકલી પ્રોડક્ટનો કુલ 4.39 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

સામાન્ય લોકો ઓનલાઈન ખરીદીનો વધુ આગ્રહ રાખતા હોય છે. જે લોકો માટે આ કિસ્સો ચેતવણી સમાન બનીને સામે આવ્યો છે. સરથાણા વિસ્તારમાંથી જે નકલી લિક્વિડ પ્રોડક્ટ નો જથ્થો ઝડપાયો છે તેનો ઘર વપરાશમાં લેવાથી ચામડીના રોગો પણ થવાની શક્યતાઓ રહેલી છે. એક રીતે નકલી પ્રોડક્ટ વેચી વધુ કમાણી કરી લેવાની લ્હાયમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે. જેથી આ પ્રકારની પ્રોડક્ટ ઓનલાઇન ખરીદતા લોકોએ પણ હવે ચેતવાની જરૂર છે. ગુજરાત ફર્સ્ટ ની ટીમ દ્વારા જ્યારે ગોડાઉનની મુલાકાત લેવામાં આવી ત્યારે છાપો મારવામાં આવ્યો હોવા છતાં પણ અહીં કર્મચારીઓ બીજા દિવસે કામ કરતા નજરે પડ્યા હતા. એટલું નહીં પરંતુ અહીં વધુ પ્રમાણમાં અન્ય નામાંકિત કંપનીઓના નામે તૈયાર કરવામાં આવેલ નકલી લિક્વિડ પ્રોડક્ટ નો જથ્થો જોવા મળ્યો હતો. જે બાદ સરથાણા પોલીસે અહીં ફરી છાપો મારી સર્ચ હાથ ધર્યું હતું.

આરોપી પ્રકાશ મૌર્યને સાથે રાખી તપાસ કરતા મોટા પ્રમાણમાં પેકિંગ કરેલી હાલતમાં નકલી લિક્વિડ પ્રોડક્ટ નો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ફરી અહીં પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમયે આરોપી પ્રકાશ મૌર્ય દ્વારા કબૂલ કરવામાં આવ્યું હતું કે પોતે છેલ્લા એક મહિનાથી આ નકલી પ્રોડક્ટનું ઓનલાઈન વેચાણ કરતો હતો. નજીકમાં આવેલ એક ફેક્ટરી માલિક પાસેથી પોતે આ રો- મટીરીયલ ખરીદી નામાંકિત કંપનીના નામે નકલી ડેટોલ,હારપિક અને લાઇઝોલ લિક્વિડ પ્રોડક્ટ તૈયાર કરતો હતો. આરોપીએ કરેલી કબુલાતમાં અન્ય એક ઈસમનું પણ નામ સામે આવ્યું હતું. જેથી પોલીસે આ ઈસમ સામે પણ કાર્યવાહીની તજવીજ હાથ ધરી હતી.

મહત્વનું છે કે આરોપી છેલ્લા એક માસથી નામાંકિત કંપનીના નામે નકલી પ્રોડક્ટ તૈયાર કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો હતો. પ્રતિદિવસ આરોપી 70 થી 80 જેટલા ઓર્ડર લેતો હતો.જે ઓર્ડરો ની ડિલિવરી પૂરી પાડી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો હતો.જ્યાં હાલ આરોપીની ધરપકડ કરી ઊંડાણપૂર્વક ની તપાસ સરથાણા પોલીસે હાથ ધરી છે.