December 19, 2024

ભારતીય સેનાના જવાનોની જાસૂસી કેસમાં વધુ એક આરોપીની ધરપકડ

મિહિર સોની, અમદાવાદ: ભારતીય સેનાના જવાનોની જાસૂસી કેસમાં ગુજરાત ATSએ વધુ એક આરોપીની ધરપકડ કરી છે. જાસૂસી કરાવવા માટે આરોપી સીમ કાર્ડ પ્રોવાઇડ કરતો હતો. ગુજરાત ATSએ આરોપીની ધરપકડ કરી દુબઈના કનેક્શનનો ખુલાસો કર્યો હતો. કોણ છે આ પાકિસ્તાની જાસૂસ જાણો.

લિંક મોકલતા હતા
ગુજરાતમાંથી સીમ કાર્ડ પાકિસ્તાની જાસૂસી સંસ્થાને મોકલનાર વધુ એક જાસૂસ મોહમ્મદ સકલેનની ગુજરાત ATSએ ધરપકડ કરી છે. આ આરોપી મૂળ જામનગરના બેડી ગામનો રહેવાસી છે. આરોપી સકલેનએ એક સીમકાર્ડ ખરીદીને લાભશંકર મહેશ્વરી નામના પાકિસ્તાની જાસૂસને મોકલ્યુ હતું. આ સિમકાર્ડ લાભ શંકરે પોતાની બહેનની મદદથી પાકિસ્તાન મોકલીને કાર્ડ એક્ટિવ કરવાયું હતું. આ જાસૂસઓ ભારતીય સીમકાર્ડની મદદથી આર્મીનાં જવાનને એક મેસેજ કરીને એક લિંક મોકલતા હતા. આ સાથે માલવેર વાયરસ સાથેની એપ્લિકેશન ડાઉનલોડ કરવાતા હતા. ફોન હેંક કરીને તમામ માહિતી પાકિસ્તાન મોકલતા હતા..અગાઉ ગુજરાત ATSએ લાભ શંકર મહેશ્વરીની ધરપકડ કરી હતી. જેમાં સીમ કાર્ડ મોકલનાર મોહમ્મદ સંકલૈન નામ સામે આવ્યું હતું.

આ પણ વાંચો: ગુજરાતના દરિયાકિનારેથી 120 નોટિકલ માઇલ દૂર 173 પેકેટ ચરસ ઝડપાયું, બે આરોપીની ધરપકડ

એજન્ટોનો પર્દાફાશ થયો
ગુજરાત ATS કેસમાં ખુલાસો થયો છે કે જામનગર નો મોહમ્મદ સંકલૈન દુબઈના અઝગર આઝીઝ મોદી સાથે સંપર્ક હતો. સંકલૈન જામનગરમાં માછીમારી કરતો હતો. આ દરમિયાન અઝગર આઝીઝ સાથે મિત્રતા થઈ હતી. અઝગર જ્યારે દુબઈ ગયો હતો, ત્યારે સંકલૈનને પણ બોટ અને માછીમારી માટે દુબઈ લઈ ગયો હતો. આ દરમિયાન પાકિસ્તાની જાસૂસી સંસ્થાના એજન્ટોએ સંકલૈનને સીમ કાર્ડ માટેની જવાબદારી સોંપી હતી. આ સીમકાર્ડ આણંદના તારાપુરમાં રહેતા લાભશંકર મહેશ્વરીને સીમ કાર્ડ આપવાની સૂચના આપી હતી.

એજન્ટો વિરુદ્ધ ગુનો
પરંતુ ગુજરાત ATSએ મુખ્ય સૂત્રધાર એવા પાકિસ્તાની જાસૂસ લાભ શંકરની ધરપકડ કરી લેતા 7 પાકિસ્તાની એજન્ટોનો પર્દાફાશ થયો હતો. ગુજરાત ATS એ જાસૂસી કેસમાં 7 પાકિસ્તાની એજન્ટો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. જેમાંથી બે જાસૂસની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે પાંચ આરોપી હજી ફરાર છે. આ જાસૂસ પાકિસ્તાની સંસ્થા સાથે કોઈ નાણાકીય વ્યવહાર કર્યો છે કે કેમ અને અન્ય કોઈ એજન્ટ સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.