December 23, 2024

હરિયાણામાં કોંગ્રેસ સાથે ગઠબંધનની વાત ન બની, AAP કરી રહી છે મોટી તૈયારી

Haryana Assembly Election 2024: હરિયાણામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનને લઈને કોઈ સહમતિ નથી. બંને પક્ષો બેઠકોની સંખ્યા પર સહમત નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર બંને વચ્ચે ગઠબંધનની વાતચીત તૂટવાની અણી પર છે. બીજી બાજુ, આમ આદમી પાર્ટી 50 સીટો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. AAP ઉમેદવારોની પ્રથમ યાદી રવિવારે જાહેર થઈ શકે છે.

હકિકતે, છેલ્લા કેટલાક દિવસોથી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન અંગે ચર્ચા ચાલી રહી હતી. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે રાહુલ ગાંધી હરિયાણામાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન ઈચ્છે છે. આ પછી સમાચાર આવ્યા કે કોંગ્રેસ હરિયાણામાં AAPને સાત સીટો આપવા રાજી થઈ ગઈ છે, જ્યારે AAPએ કોંગ્રેસ પાસેથી 10 સીટો માંગી છે.

AAP 50 સીટો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે
માહિતી અનુસાર, હરિયાણામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીટ વહેંચણીને લઈને વાતચીત થઇ રહી નથી. કારણ કે આમ આદમી પાર્ટીને કોંગ્રેસની ફોર્મ્યુલા પસંદ નથી. આટલું જ નહીં, AAP હરિયાણાની 50 સીટો પર પોતાના ઉમેદવારો ઉતારવાની તૈયારી કરી રહી છે. એવું પણ સામે આવ્યું છે કે પાર્ટીની પ્રથમ યાદી રવિવાર સુધીમાં બહાર પડી જશે.

આ પણ વાંચો: J&K Election: અમિત શાહે જાહેર કર્યો BJP સંકલ્પ પત્ર, કહ્યું- કલમ-370 હવે ક્યારેય પાછી નહીં આવે

લોકસભા ચૂંટણીમાં ગઠબંધન કર્યું હતું
નોંધનીય છે કે, આ વર્ષે યોજાયેલી લોકસભા ચૂંટણી દરમિયાન હરિયાણામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું હતું. આ ગઠબંધન પછી, પાર્ટીએ રાજ્યની 10માંથી 5 બેઠકો કબજે કરી. આ પછી, બંને પક્ષો તરફથી કહેવામાં આવ્યું હતું કે ભાજપને હરાવવા માટે ગઠબંધન થઈ શકે છે. જો કે હવે આવું થતું હોય તેવું લાગતું નથી.