January 3, 2025

GNLU ગાંધીનગરમાં 31 જુલાઇ સુધી ઓફલાઇન શિક્ષણ બંધ, ચૂડવેલનો ત્રાસ જવાબદાર

મલ્હાર વોરા, ગાંધીનગર: રાજ્યમાં ચોમાસાની સિઝન આવતા રોગચાળો અને જીવ જંતુઓનો રાફડો ફાટી નીકળે છે. રાજયના કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદ થતાં જીવ જંતુઓનો ઉપદ્રવ વધી ગયો છે. ત્યારે ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આવેલી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં જીવજંતુઓના વધતા ત્રાસના કારણે યુનિવર્સિટીમાં આગમી 31 જુલાઈ સુધી ઓફલાઈન અભ્યાસ બંધ કરીને ઓનલાઈન અભ્યાસ કરવાની ફરજ પડી છે.

સામાન્ય વરસાદ થાય ત્યારે જીવ જંતુઓ જમીન માંથી બહાર આવીને ઉપદ્રવ મચાવે છે. ત્યારે ગાંધીનગર ખાતે આવેલ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદ બાદ પગલે ચૂડવેલના કારણે વિદ્યાર્થીઓ હેરાન થઈ ગયા છે. યુનિવર્સિટીના સત્તાધિશોએ જણાવ્યું હતું ગાંધીનગર થોડાક દિવસ પહેલા સામાન્ય વરસાદ થયો હતો અને ત્યારબાદ વરસાદ ન થતા જીવજંતુઓ વધી ગયા છે.

ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલના ભાગ બાજુ મોટી સંખ્યામાં ચુડવેલનો ત્રાસ જોવા મળી રહ્યો છે. એટલી બધી માત્રામાં આ જીવાત છે કે વિધાર્થીનીઓના રૂમમાં પણ ઘુસી રહ્યા છે. જેથી વિદ્યાર્થીનીઓ શાંતિથી અભ્યાસ પણ નથી કરી શકતી. વિધાર્થીનીઓએ આ મામલે ફરિયાદ કરતા ચૂડવેલનો નિકાલ કરવા માટે પેસ્ટ કન્ટ્રોલ કરવાનો વારો આવ્યો તેમ છતાંય જીવાત બંધ થવાનું નામ લેતી ન હતી.

ચુડવેલના ત્રાસના કારણે યુનિવર્સિટી ના સત્તાધીશોએ આ મામલે AMC અને GMCમાં ફરિયાદ કરીને હેવી પેસ્ટ કન્ટ્રોલ કરવાની માંગ કરી છે. જો કે કોર્પોરેશન દ્વારા હેવી દવાના છંટકાવના કારણે વિદ્યાર્થીઓને કોઈ આડઅસર ન થાય તે માટે તેમને રજા આપવામાં આવી છે. પરતું યુનિવર્સિટીના સત્તાધિશોનું કહેવું છે અભ્યાસમાંથી કોઈ રજા આપી નથી.

આગમી 31 જુલાઈ સુધી વિધાર્થીઓ કેમ્પસની બહાર તેમના ઘરે રહીને ઓનલાઈન અભ્યાસ કરશે. આગામી 1 ઓગસ્ટ સુધી સમગ્ર કેમ્પસમાં દવાનો છટકાવ થઈ જાય અને તમામ જીવાતનો નિકાલ થઈ જાય ત્યારબાદ વિદ્યાર્થીઓને કેમ્પસમાં બોલાવીને ઓફલાઈન શીક્ષણ રાબેતમુજબ શરૂ કરવામાં આવશે.