November 19, 2024

Odishaને 24 વર્ષ બાદ મળ્યા નવા CM, Mohan Majhi CM, 2 ડેપ્યુટી CM પણ ચૂંટાયા

Odisha CM Mohan Manjhi: કેન્દ્રમાં સત્તા બનાવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ ઓડિશામાં પણ સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ભાજપે ઓડિશાના નવા મુખ્યમંત્રી તરીકે મોહન માઝીની પસંદગી કરી છે. ઓડિશામાં પણ ભાજપે એક સીએમ અને બે ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા લાગુ કરી છે. ઓડિશાના બે ડેપ્યુટી સીએમ હશે, જેમાંથી એક મહિલા છે. પાર્વતી પરિડા અને કેવી સિંહ દેવ રાજ્યના ડેપ્યુટી સીએમ હશે.

ઓડિશામાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં, ભાજપે જંગી બહુમતી મેળવી હતી અને નવીન પટનાયકના બીજુ જનતા દળને સત્તા પરથી હટાવી દીધી છે. નવીન પટનાયક વર્ષ 2000 થી 2024 સુધી સતત રાજ્યના મુખ્યમંત્રી રહ્યા. તેઓ આ પદ પર 24 વર્ષ અને 98 દિવસ સુધી રહ્યા. તાજેતરની ચૂંટણીમાં સફળતા બાદ ભાજપે હવે મોહન માઝીને મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે. આ સાથે રાજ્યને લગભગ અઢી દાયકા બાદ નવા મુખ્યમંત્રી મળ્યા છે.

મોહન માઝી આદિવાસી સમુદાયમાંથી આવે છે અને તેમને મુખ્યમંત્રી બનાવીને ભાજપે પણ આ સમાજમાં પોતાની પકડ મજબૂત કરવાની દિશામાં પગલાં ભર્યા છે. માઝીએ ઓડિશાની કેઓંઝર બેઠક પરથી વિધાનસભા ચૂંટણી જીતી હતી અને આ બેઠક અનુસૂચિત જનજાતિ કેટેગરી માટે અનામત છે. તેમણે આ બેઠક પરથી બીજુ જનતા દળના નીના માઝીને 11 હજાર 577 મતોથી હરાવ્યા હતા. 52 વર્ષીય માઝી ચાર વખત વિધાનસભા ચૂંટણી જીતી ચૂક્યા છે.

પાર્વતી પરિદા અને કેવી સિંહ દેવ ડેપ્યુટી સીએમ બનશે.
રાજ્યના નવા ડેપ્યુટી સીએમ પાર્વતી પરિદાએ નિમાપરાથી વિધાનસભા ચૂંટણી જીતી છે. તેમણે બીજેડીના દિલીપ કુમાર નાયકને 4588 મતોથી હરાવ્યા. કનક વર્ધન સિંહ દેવ, જેઓ ઓડિશાના બીજા ડેપ્યુટી સીએમ બનવા જઈ રહ્યા છે, તે પતંગગઢના ધારાસભ્ય છે અને નજીકના મુકાબલામાં તેમણે બીજેડીના સરોજ કુમાર મેહરને 1357 મતોથી હરાવ્યા હતા.

જાણો વિધાનસભામાં કઈ પાર્ટી પાસે કેટલી સીટો છે
તાજેતરમાં જ ઓડિશામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી. 147 વિધાનસભા બેઠકોના આ રાજ્યમાં ભાજપે બહુમતનો જાદુઈ આંકડો પાર કર્યો છે અને 78 બેઠકો જીતી લીધી છે. બીજી બાજુ, અઢી દાયકાથી સત્તામાં રહેલું બીજુ જનતા દળને માત્ર 51 બેઠકો જ મળી હતી. કોંગ્રેસને 14 અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટને એક સીટ મળી હતી. આ વખતે ઓડિશામાં ત્રણ અપક્ષ ઉમેદવારોએ પણ ચૂંટણી જીતી છે.