December 26, 2024

પત્નીએ ‘ના’ પાડતા પતિએ ઝીંકી દીધા છરીના ઘા, 6 મહિનાના લગ્નજીવનનો કરૂણ અંજામ

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદમાં ઓઢવ વિસ્તારમાં પત્નિએ સંબંધ બાંધવાનો ઇન્કાર કરતા પતિએ છરીના ઘા ઝીંકી દીધા અને 6 મહિનાના પ્રેમ લગ્નનો કરુણ અંજામ આવ્યો. સદનસીબે, પત્નીને માત્ર ઇજાઓ થતાં ઇજાગ્રસ્ત યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી. ઓઢવ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી રાજકુમાર છે. જેને પોતાની પત્ની ને છરીના ઘા ઝીકીને હત્યાનો પ્રયાસ કર્યો છે. ઘટના કંઈક એવી હતી કે આરોપીએ છ મહિના અગાઉ ઉત્તર પ્રદેશમાં રહેતી કુમકુમ નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને રોજગાર માટે ઉત્તર પ્રદેશથી યુવતી સાથે છેલ્લા બે મહિનાથી શહેરના ઓઢવ વિસ્તારમાં રહેવા આવ્યો હતો. આ દંપતી વચ્ચે અનેક વખત શારીરિક સંબંધ ને લઈને ઝઘડો થતો હતો. ઘટનાની રાત્રે બંન્ને વચ્ચે ઝઘડો થતા કુમકુમએ સંબધ બાંધવાનો ઇન્કાર કર્યો. જેથી પતિ રાજકુમારે છરીના ઘા ઝીકીને હત્યાનો પ્રયાસ કર્યો. ઓઢવ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે 21 જુલાઇએ મોડી રાત્રે પતિએ પત્નીને શારીરિક સંબંધ બાંધવા માટે કહ્યું અને તે દરમિયાન પત્નીએ ના પાડી હતી અને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. યુવતીના મામા પાડોશમાં રહેતું હતા. ગૌરીવ્રતનું જાગરણ હોવાથી મામનો પરિવાર અને પડોશીઓ જાગતા હતા. ઝઘડાનો અવાજ આવતો હતો. જેથી યુવતીના મામા દરવાજો ખોલીને જોયું તો રાજકુમારે કુમકુમને ગળુ દબાવીને રાખ્યું હતું. તેમજ ગળાના ભાગે ચપ્પુનો ઘા મારીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. ઇજાગ્રસ્ત કુમકુમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. લગ્નના 6 મહિનામાં જ પતિના આ કૃત્યથી યુવતી ભયભીત થઈ ગઈ છે. જેથી પોલીસે યુવતીનું નિવેદન લઈને વધુ તપાસ શરૂ કરી.

હાલ તો ઓઢવ પોલીસે આરોપી રાજકુમારની ધરપકડ કરી છે અને શારીરિક સંબંધ બાંધવાને લઈને હત્યાનો પ્રયાસ કર્યો છે કે પછી અન્ય કારણ છે તે મામલે વધુ પૂછપરછ શરૂ કરી છે.