January 6, 2025

NTAએ CSIR-UGC-NET પરીક્ષા મોકૂફ રાખી, પરીક્ષા 25,26,27 જૂને યોજાવાની હતી

UGC NET June Exam: CSIR-UGC-NET પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આ પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવામાં આવે છે. આ પરીક્ષા 25 થી 27 જૂન દરમિયાન યોજાવાની હતી. પીરક્ષા મોકૂફ રાખવાનું કારણ સંસાધનનો અભાવ હોવાનું કહેવાય છે. NTAએ પરીક્ષા મોકૂફ રાખવાની જાણકારી આપી છે. એમ પણ કહ્યું કે આ પરીક્ષા યોજવા માટેનું સુધારેલું સમયપત્રક સત્તાવાર વેબસાઇટ દ્વારા પછીથી જાહેર કરવામાં આવશે.

NTAએ કહ્યું કે ઉમેદવારોને નવા અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેતા રહેવાની સલાહ આપવામાં આવે છે અને કોઈપણ પ્રશ્ન અથવા સ્પષ્ટતા માટે, ઉમેદવારો NTA હેલ્પડેસ્ક નંબર 011-40759000 પર કૉલ કરી શકે છે. CSIR-UGC-NET પરીક્ષા મુલતવી રાખતા પહેલા, NTAએ અનિયમિતતાના ડરથી બે દિવસ પહેલા એટલે કે 19 જૂને UGC-NET પરીક્ષા રદ કરી હતી. નોંધનીય છે કે, UGC-NET પરીક્ષા 18 જૂન, 2024 ના રોજ દેશના વિવિધ શહેરોમાં યોજાઈ હતી. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ બે શિફ્ટમાં OMR (પેન અને પેપર) મોડમાં પરીક્ષાનું આયોજન કર્યું હતું.

UGC-NET પરીક્ષા રદ કરતી વખતે, શિક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે પરીક્ષા નવેસરથી લેવામાં આવશે, જેની માહિતી અલગથી શેર કરવામાં આવશે. સરકાર પરીક્ષાઓની અખંડિતતા સુનિશ્ચિત કરવા અને વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છે. યુજીસી નેટ પરીક્ષા જૂન 2024 દેશના 317 શહેરોમાં 1205 પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી, જેમાં 11,21,225 ઉમેદવારોએ ભાગ લીધો હતો.