‘આપ’ના ‘રામજાપ’, ઇસુદાનએ કરી ૩ દિવસીય કાર્યક્રમની જાહેરાત
અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે આમ આદમી પાર્ટી (AAP)એ ગુજરાતમાં ત્રણ દિવસના મેગા કાર્યક્રમની જાહેરાત કરી છે. પાર્ટીએ રાજ્યના તમામ જિલ્લા, નગરપાલિકા અને તાલુકા સ્તરે સુંદરકાંડ પાઠનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. ત્રિદિવસીય આ કાર્યક્રમમાં આરતી, રામધૂન અને મહાપ્રસાદનું વિતરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગુજરાત આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે રામ આપણા હૃદયમાં છે. તેમણે વધુમાં કહ્યું કે અરવિંદ કેજરીવાલ જે રીતે શિક્ષણ અને લોકોની સારી આરોગ્ય વ્યવસ્થા માટે કામ કરી રહ્યા છે તે હકિકતે રામરાજ્ય સ્થાપિત કરવાનો પ્રયાસ છે. ઇસુદાનએ જણાવ્યું હતું કે, આપ પાર્ટીએ દિલ્હીમાં દર મહિનાના પ્રથમ મંગળવારે સુંદરકાંડ પાઠનું આયોજન કરવાનું નક્કી કર્યું છે. આમ આદમી પાર્ટી ભગવાન રામના સપનાને સાકાર કરવા માંગે છે.
આ પણ વાંચો : 3 ફેબ્રુઆરીએ ભૂપત-ભાજપ અને ભગવો એક સાથે…!
ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર ભાજપનો કબજો
જ્યારે ઇસુદાન ગઢવીને પૂછવામાં આવ્યું કે શું I.N.D.I.A ગઠબંધનનો ભાગ બનેલી કોંગ્રેસે અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને પોતાને દૂર રાખ્યા છે, શું આ ગઠબંધનમાં વૈચારિક મતભેદ નથી, તેના જવાબમાં ઇસુદાને કહ્યું કે આ અંગે તેઓ જ વધુ કહી શકે છે. નોંધનીય છે કે ગુજરાત આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને લોકસભાની ચૂંટણી લડવા માંગે છે. હાલમાં ગુજરાત રાજ્યની તમામ 26 લોકસભા બેઠકો પર ભાજપનો કબજો છે. થોડા દિવસો પહેલાં અરવિંદ કેજરીવાલે તેમની ગુજરાતની છેલ્લી મુલાકાતમાં ભરૂચમાંથી ચૈત્ર વસાવાને ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી હતી. એક સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનો ગઢ ગણાતી આ બેઠક પર ત્રણ દાયકાથી વધુ સમયથી ભગવો લહેરાતો રહ્યો છે. વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 40 લાખથી વધુ વોટ મેળવ્યા હતા. પાર્ટીને 14 ટકા વોટ મળ્યા બાદ જ રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યો હતો. ત્યારબાદ પાંચ વિધાનસભા મતવિસ્તારોમાં આમ આદમી પાર્ટી જીતી ગઈ હતી, જો કે એક વર્ષમાં જ ધારાસભ્યએ પાર્ટી છોડી અને તેમના ધારાસભ્ય પદ પણ દીધું હતું.
3 ફેબ્રુઆરીએ ભૂપત ભાયાણી કેસરીયા કરશે
વિસાવદર વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીની ટિકિટ પર ચૂંટાયેલ ધારાસભ્યે ૧૩ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ પાર્ટીમાંથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. ભૂપત ભાયાણી હવે આમ આદમી પાર્ટીને બદલે ભાજપમાં જોડાઇ કેસરીયા કરશે. માહિતી અનુસાર આગામી ૩ ફેબ્રુઆરીના રોજ ભૂપત ભાયાણી સત્તાવાર રીતે ભાજપમાં જોડાશે. ભૂપત ભાયાણી તેમના જ મત વિસ્તાર વિસાવદરમાં જાહેર કાર્યક્રમ દરમિયાન ભાજપનો ખેસ ધારણ કરશે. ભૂપત ભાયાણી ભાજપમાં આવકારવા માટે પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.
કોંગ્રેસ અને AAPની ડૂબતી નાવ
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઘણાખરા નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં સમાવેશ કરવમાં આવેલા આગેવાનો અને કાર્યકરોમાં કોંગ્રેસ અને AAP સાથે સંકળાયેલા 12 જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, 12 કોર્પોરેટરો, પ્રદેશ આગેવાનો, 3 APMC પ્રમુખો, 50 સહકારી આગેવાનો અને તાલુકા પંચાયત સાથે સંકળાયેલા 45 જિલ્લા કક્ષાના આગેવાનોનો ભાજપમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત ભાજપના નેતા ભરત બોધરાએ જણાવ્યું હતું કે રાજકોટ, વડોદરા, અરવલ્લી, સાબરકાંઠાના 2100 જેટલા કાર્યકરો પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વાસ સાથે ભાજપમાં જોડાય ગયા છે. તેઓ પોતે 40થી વધુ બસો લઈને ગાંધીનગરના કમલમ પહોંચ્યા હતા અને ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસ અને AAPની ડૂબતી નાવ અને પાર્ટીમાં નેતૃત્વનો અભાવ જોઈને તેમને પાર્ટી છોડવાની ફરજ પડી હતી. વધુમાં કહ્યું કે ભાજપની સરકાર સાથે અમે વચનો પૂરા કરવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. રામ મંદિરનું નિર્માણ હોય કે કલમ 370, ભાજપ સરકારે તમામ સ્તરે પરિણામો સાથે કામ કર્યું છે.
ઘણા છોડી રહ્યા છે, ઘણા કોંગ્રેસમાં આવી રહ્યા છે!
કોંગ્રેસના નેતાઓ પક્ષ છોડીને ભાજપમાં જોડાવા અંગે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ભાજપ માટે માત્ર ડરાવવાનું અને ધમકાવવાનું જ કામ બાકી છે. વધુમાં કહ્યું કે અમારી પાસે કોઈને ડરાવવા કે ધમકાવવા માટે કોઈ એજન્સી નથી. જેઓ કોંગ્રેસને છોડી રહ્યા છે તે સિવાય પણ અન્ય ઘણા લોકો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. જેઓ ગયા છે તેઓ ઘણી વખત ફોન કરે છે અને રડે છે.