January 18, 2025

આરજી કર હોસ્પિટલના 51 ડોક્ટર્સને તપાસ સમિતિ સમક્ષ હાજર થવા નોટિસ

Kolkata Doctor Case: આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલે 51 ડોક્ટરોને નોટિસ ફટકારી છે. તમામ ડોક્ટર્સને 11 સપ્ટેમ્બરના રોજ તપાસ સમિતિ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. તેમના પર સંસ્થાના લોકતાંત્રિક વાતાવરણને જોખમમાં મૂકવાનો, ડરાવવાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો અને કામ કરવાના વાતાવરણને દૂષિત કરવાનો આરોપ છે. હોસ્પિટલ ઓથોરિટીએ નોટિસમાં કહ્યું છે કે તેમણે કમિટી સમક્ષ પોતાની નિર્દોષતા સાબિત કરવી પડશે.

આરજી કર હોસ્પિટલની સ્પેશિયલ કાઉન્સિલ કમિટીના નિર્ણય અનુસાર, તપાસ સમિતિ દ્વારા બોલાવવામાં આવે ત્યાં સુધી તમામ 51 ડોકટરો માટે સંસ્થાના પરિસરમાં પ્રવેશ પર પ્રતિબંધ છે. નોટિસ પર હોસ્પિટલના પ્રિન્સિપાલની સહી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે તેમને કોલેજની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પર પ્રતિબંધ છે. લિસ્ટમાં સિનિયર રેસિડેન્ટ ડોક્ટર્સ, હાઉસ સ્ટાફ, ઈન્ટર્ન અને પ્રોફેસરોનો પણ સમાવેશ થાય છે.

વાસ્તવમાં, આરજી કર હોસ્પિટલમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેઇની મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ બાદ તેની હત્યા કરવામાં આવતા જૂનિયર ડૉક્ટર્સ 9 ઓગસ્ટથી વિરોધ કરી રહ્યા છે. ટ્રેઈની મહિલા ડૉક્ટર ફરજ પર હતા ત્યારે તેમના ઉપર દુષ્કર્મ આચાર્યા બાદ તેમની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાથી દેશભરમાં રોષ ફેલાયો હતો અને ભારે પ્રદર્શનો થયા હતા.

પશ્ચિમ બંગાળમાં વિરોધ કરી રહેલા જુનિયર ડોકટરોએ કહ્યું કે તેઓ આરજી કર હોસ્પિટલના મૃતક ડોક્ટર માટે ન્યાયની માંગ સાથે તેમનું ‘કામ બંધ’ ચાલુ રાખશે. જો કે, સુપ્રીમ કોર્ટે ડોક્ટરોને મંગળવારે સાંજે 5 વાગ્યા સુધીમાં કામ પર પાછા ફરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે જો ડોક્ટરો કામ પર પાછા નહીં ફરે તો તેમની સામે કાર્યવાહી થઈ શકે છે.