પરમાણુ હથિયારોનો ભંડાર બનાવી રહ્યું છે ઉત્તર કોરિયા, ગુપ્ત યુરેનિયમ ઉત્પાદન કેન્દ્રની તસવીરો સામે આવી
North Korea uranium enrichment facility: ઉત્તર કોરિયાએ તેની અત્યંત ગુપ્ત યુરેનિયમ ઉત્પાદન સુવિધાની દુર્લભ ઝલક દેખાડી છે. સરકારી મીડિયાએ શુક્રવારે અહેવાલ આપ્યો કે, નેતા કિમ જોંગ ઉને પ્રદેશની મુલાકાત લીધી અને તેના પરમાણુ શસ્ત્રોની સંખ્યામાં ‘વિસ્ફોટક રીતે’ વધારો કરવા માટે મજબૂત પ્રયાસો કરવા આહ્વાન કર્યું છે. હાલમાં એ સ્પષ્ટ નથી કે આ કેન્દ્ર ઉત્તર કોરિયાના ‘યોંગબ્યોન ન્યુક્લિયર કોમ્પ્લેક્સ’માં છે કે નહીં, પરંતુ આ પહેલીવાર છે જ્યારે ઉત્તર કોરિયાએ દેશમાં યુરેનિયમ સંવર્ધન કેન્દ્ર હોવાનો ખુલાસો કર્યો છે. અગાઉ 2010માં ઉત્તર કોરિયાએ ‘યોંગબ્યોન ન્યુક્લિયર કોમ્પ્લેક્સ’ વિશે માહિતી આપી હતી.
એવું માનવામાં આવે છે કે તાજેતરના ખુલાસાઓ અમેરિકા અને તેના સહયોગી દેશો પર દબાણ વધારવા માટે કરવામાં આવ્યા હોઈ શકે છે. આ ગુપ્ત કેન્દ્રમાં પરમાણુ હથિયારોના ઉત્પાદનમાં વપરાતું યુરેનિયમ સંવર્ધન છે. મીડિયા દ્વારા જાહેર કરવામાં આવેલી આ વિસ્તારની તસવીરો પરથી લોકો પરમાણુ હથિયારોને લઈને ઉત્તર કોરિયાની તૈયારીના સ્તરનો અંદાજ લગાવી શકે છે.
કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (KCNA)ના અહેવાલ અનુસાર, પરમાણુ હથિયાર સંસ્થાન અને શસ્ત્રો મેન્યુફેક્ચરિંગ ન્યુક્લિયર મટિરિયલ પ્રોડક્શન સેન્ટરની મુલાકાત દરમિયાન કિમે પરમાણુ ઉર્જા ક્ષેત્રે દેશમાં મોજૂદ ઉત્તમ ટેક્નોલોજીની પ્રશંસા કરી. KCNAએ તેના સમાચારમાં જણાવ્યું કે કિમે યુરેનિયમ સંવર્ધન કેન્દ્રના કંટ્રોલ રૂમ અને એક બાંધકામ સ્થળની મુલાકાત લીધી. ઉત્તર કોરિયાના રાજ્ય મીડિયાએ પણ કેટલાક ફોટા જાહેર કર્યા છે જેમાં કિમ વૈજ્ઞાનિકો સાથે વાત કરતા જોવા મળે છે. એક છેડે, લાંબી ગ્રે ટ્યુબની શ્રેણી છે. જો કે, કિમે આ સેન્ટરની મુલાકાત ક્યારે લીધી અને તે ક્યાં છે તે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું નથી.