Heatwave: ઉત્તર ભારતના રાજ્યોમાં આગ ઝરતી ગરમી, દેશના 16 શહેરમાં પારો 45+
નવી દિલ્હીઃ ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં આકરી ગરમી પડી રહી છે. આ દિવસોમાં દિલ્હી, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં સ્થિતિ એવી છે કે, પંખા અને કુલર પણ રાહત આપી રહ્યાં નથી. રાજસ્થાનના ચાર જિલ્લા બાડમેર, બાલોત્રા, જાલોર અને ભીલવાડામાં આકરી ગરમી પડી રહી છે.
રાજસ્થાનમાં ગરમીના કારણે 8 લોકોના મોત થયા છે. રાજ્યમાં ઘણી જગ્યાએ મહત્તમ તાપમાન 46-48 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. તેમજ દેશના 16 સ્થળોએ પારો 45 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને મધ્ય પ્રદેશના 16 સ્થળોએ મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું. તમને જણાવી દઈએ કે વિશ્વના 15 સૌથી ગરમ શહેરોમાંથી પાંચ રાજસ્થાનના હતા. ગુરુવારે બાડમેર 48.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે વિશ્વનું બીજું સૌથી ગરમ શહેર હતું.
આ પણ વાંચોઃ ઈરાનના રાષ્ટ્રપતિ રઈસીના મોત મામલે મોટો ખુલાસો, વાંચો તપાસ કમિટીનો રિપોર્ટ
બાડમેર ઉપરાંત જેસલમેર, ફલોદી, જોધપુર, કોટા અને ચુરુનો સમાવેશ થાય છે. ફલોદીનું તાપમાન 48.6, જેસલમેર 47.5, જોધપુર 47.4, કોટા 47.2 અને ચુરુમાં 47 ડિગ્રી નોંધાયું હતું.જ્યારે દેશના અન્ય રાજ્યોની વાત કરીએ તો મધ્યપ્રદેશના ગુનામાં મહત્તમ તાપમાન 46.6 ડિગ્રી, ગુજરાતના અમદાવાદમાં 45.9, ઉત્તર પ્રદેશના ઓરાઇમાં 45, પંજાબના ભટિંડા અને હરિયાણાના સિરસામાં 45.4 ડિગ્રી નોંધાયું હતું.
આ પણ વાંચોઃ અંબાલામાં ગંભીર અકસ્માત: એક જ પરિવારના 7 લોકોના મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત
સુરતમાં ગરમીને કારણે રોજના 17 લોકોનાં મોત
સુરતમાં કાળઝાળ ગરમીને લઇને લોકો હેરાન પરેશાન છે ત્યારે હવે હિટવેવને કારણે મોતના આંકડામાં વધારો થયો છે. દૈનિક 17થી 18ની સામે અંતિમ સંસ્કારની સંખ્યા 40 પર પહોંચી છે. જ્યારે એપ્રિલ માસમાં ઉમરા રામનાથ ઘેલા સ્મશાનભૂમિમાં 439 અંતિમ સંસ્કાર થયા છે. ચાલુ મહિનામાં 22 તારીખ સુધીમાં 475 મોતનો આંકડો પહોંચ્યો છે. તો લીંબાયત મુક્તિધામમાં ગત મહિને સરેરાશ ત્રણ મૃતદેહની હતી. લીંબાયત મુક્તિધામમાં અંતિમ સંસ્કાર માટે મૃતદેહની સંખ્યા વધી દૈનિક 5 થઈ છે.