December 23, 2024

ગુજરાતમાં 31 જુલાઈ સુધી મેઘો વિરામ નહીં લે, આ જિલ્લાઓ માટે IMDનું યલો એલર્ટ

Gujarat Weather Forecast: ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી વરસી રહેલા વરસાદથી કોઈ રાહતના સમાચાર નથી. હવામાન વિભાગે 31 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. IMDના લેટેસ્ટ એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે સૌરાષ્ટ્ર બાદ હવે મધ્ય ગુજરાતના વડોદરા અને અમદાવાદ જિલ્લામાં પણ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને મોરબીમાં મધ્ય વરસાદની આગાહી કરી છે. ત્યાં જ રાજકોટ, જામનગર, બોટાદ, દ્વારકા, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અરવલ્લી, ખેડા, આણંદમાં હળવા વરસાદની આગાહી છે.

વડોદરા અને ભરૂચમાં પાણી ભરાયા
IMD એ 30 જુલાઈએ નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદનું યલો એલર્ટ જારી કર્યું છે. 31 જુલાઈએ નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે ઘણું નુકસાન થયું છે. વડોદરામાં ભારે વરસાદ બાદ આજવા ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે. જેને લઈને ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયા છે. ગુજરાતમાં ભારે વરસાદને કારણે પોરબંદર, દેવભૂમિ દ્વારકા સહિત જૂનાગઢ અને જામનગર જિલ્લામાં નોંધપાત્ર નુકસાન થયું છે.

ગાંધીનગરમાં પણ પાણી ભરાયા
ગુજરાતમાં ભારે વરસાદને કારણે ગાંધીનગરમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે. ગાંધીનગરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. દહેગામ તાલુકામાં સ્થિતિ સૌથી વધુ વણસી છે ત્યાં વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદના આંકડા પર નજર કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં રાજ્યના 114 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે તો રાજ્યના 99 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો: સુરત પોલીસ દ્વારા શહેરમાં ભીખ માંગતા અને સફાઈ કરતા 36 બાળકોનું રેસ્ક્યુ કરાયું

પાટણ શહેરમાં પાણી જ પાણી
પાટણમાં સવારથી પડી રહેલા ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે તો બીજી તરફ શહેરના મુખ્ય માર્ગો ઉપર પણ પાણી ભરાતા જાણે માર્ગ ઉપરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. શહેરના બજાર ઝવેરી બજાર, ફુલ બજાર સહિતના માર્ગો ઉપર પાણી ભરાતા વેપારીઓ સહિત રાહદારીઓને ભાડે હાલાકીઓ વેઠવી પડી હતી. માર્ગો ઉપર પાણી ભરાઈ રહેવાને કારણે જાહેર માર્ગો પર વેપારીઓએ પોતપોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા.