‘નો ડ્રગ્સ ઇન સુરત સીટી’ અભિયાન, ક્રાઇમ બ્રાન્ચે 35 લાખથી વધુનું ડ્રગ્સ ઝડપી પાડ્યું
અમિત રૂપાપરા, સુરત: સુરત શહેર પોલીસ દ્વારા ‘નો ડ્રગ્સ ઇન સુરત સીટી’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત અનેક આરોપીને સુરત પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 35 લાખથી વધુની કિંમતના ડ્રગ્સના મુદ્દામાલ સાથે સાથ આરોપીને ઝડપી પાડ્યા છે અને તેમની સામે અલગ અલગ પાંચ ગુના રજીસ્ટર કરવામાં આવ્યા છે.
સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં નસીલા પદાર્થોનું વેચાણ કરતા અનેક ઈસમોને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે સુરતના યુવા ધનશાના રવાડે ન ચડે એટલા માટે પોલીસ સતત કામગીરી કરી રહી છે અને માદક પદાર્થોની સપ્લાય કરતા માફિયા તથા તેમની ગેંગના સિન્ડિકેટ સભ્યોને પોલીસ પકડી રહી છે. આવા ઈસમો સામે એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા વાત વિના આધારે 23 જૂન 2024ના રોજ રાબીયા નામની મહિલા મુંબઈથી પોતાના મિત્ર સફિક સાથે સૂર્યનગરી સુપરફાસ્ટ એક્સપ્રેસ બાંદ્રા જોધપુર ટ્રેનમાં સુરત આવી રહી છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે પોલીસે સુરત રેલ્વે સ્ટેશન બહાર વોચ ગોઠવી હતી અને મૂળ મહારાષ્ટ્રના ગોવંડીની રાબિયા તેમજ ઉત્તર પ્રદેશના જોનપુરના રહેવાસી સફિકખાન પઠાણની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી 252.34 ગ્રામ ડ્રગ્સનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો. જેની કિંમત 25,23,400 રૂપિયા થાય છે.
રાબિયા અને સફિકખાનની પૂછપરછ બાદ પોલીસને જાણવા મળ્યું હતું કે તે મુંબઈમાં અજાણ્યા વ્યક્તિ પાસેથી ડ્રગ્સ લાવતી હતી અને સુરતમાં રહેતા મોહસીન શેખ તેમજ સરફરાજ અને ફૈસલને આપતી હતી. ત્યારબાદ આરોપીને શોધવા માટે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી. બાતમીના આધારે સરફરાજ ઉર્ફે સલમાનને રાંદેર ખાતે આવેલ કાસા મરીના હોટલમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી મૂળ ભરૂચના જંબુસરનો રહેવાસી છે અને તે હાલ રાંદેર રામનગરમાં રહે છે. પોલીસે સરફરાજ સામે રાંદેર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટનો ગુનો રજીસ્ટર કરાવ્યો છે. તેની પાસેથી 28.790 ગ્રામ 2,8,900 રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે બીજા વોન્ટેડ આરોપી ફૈસલને બાતમીના આધારે રાંદેર રામ રેસીડેન્સી પાસે જાહેર રોડ પરથી ઝડપી પાડ્યો હતો અને તેની સાથે યાસીન મુલ્લાની પણ ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી 31.55 ગ્રામ એટલે કે 3,15,500નું એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. આરોપી સામે રાંદેર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ્રેસ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત આરોપી મોહસીન શેખ તેના મિત્ર અષ્ટભાકના ઘરે છુપાયો હોવાની બાતમી પોલીસને મળી હતી. તેથી પોલીસે રુદરપુરા કુંભારવાડ ખાતે તપાસ કરી હતી. ત્યારે પોલીસને જોઈને એક ઇસમ બિલ્ડીંગ કૂદીને ભાગવા જતા તેની ઈજા થઈ હતી. ત્યારબાદ આ ઇસમને પોલીસે ઝડપી પાડી તેનું નામ પૂછતા અસ્ફાક શેખ તેનું નામ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે અસ્ફાકને ઇજાગ્રસ્ત હાલતમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યો હતો અને તેની સામે અઠવા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એકટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપી પાસેથી 14.470 ગ્રામ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જેની કિંમત 1,44,700 રૂપિયા થાય છે.
આ ઉપરાંત અન્ય એક આરોપી આસિફ ઉર્ફે બાબુ અઠવાલાઇન્સની શ્રુતિ હોસ્પિટલમાં હોવાનું સામે આવ્યું હતું. તેથી પોલીસે હોસ્પિટલમાંથી સૈયદ ઉર્ફે બાબુની ધરપકડ કરી તેની પાસેથી 27.500 ગ્રામ MD ડ્રગ્સનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આરોપી સામે અઠવા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો છે. આરોપી પાસેથી જે ડ્રગ્સ મળ્યું હતું તેની કિંમત 2.75 લાખ રૂપિયા થાય છે. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક જ દિવસમાં અલગ અલગ પાંચ જગ્યા પર રેડ કરીને 354.650 ગ્રામ એમડી ડ્રગ્સનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેની કિંમત 35,46,500 થાય છે.
પોલીસના હાથે ઝડપાયેલા 7 આરોપીમાં રાબીયાબી શેખ, સફિક ખાન પઠાણ, સરફરાજ ઉર્ફે સલમાન, ફૈસલ કચરા, યાસીન મુલ્લા, અશફાક શેખ અને સૈયદ આશિફ ઉર્ફે બાબુનો સમાવેશ થાય છે. આ સમગ્ર મામલે ડીસીબી પોલીસ સ્ટેશનમાં એક,પાલ પોલીસ સ્ટેશનમાં એક, રાંદેર પોલીસ સ્ટેશનમાં એક અને અઠવા પોલીસ સ્ટેશનમાં બે ગુના નોંધાયા છે. તો આરોપી સરફરાજ ઉર્ફે સલમાન સામે અગાઉ રાંદેર પોલીસ સ્ટેશનમાં છ ગુના નોંધાયા છે. ફેશલ સામે લાલગેટ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો છે.