December 27, 2024

હાઇકોર્ટ એસોસિએશનના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત, પ્રમુખે કર્યા મોટા આક્ષેપો

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનનાં પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવામાં આવી છે. અવિશ્વાસની દરખાસ્ત થતાં રાજકારણ ગરમાઈ ગયું છે. અવિશ્વાસની દરખાસ્તને લઈને હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખના દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.

હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીએ આક્ષેપ કરતાં જણાવ્યું છે કે કેટલાક ચોક્કસ લોકો પોતાના માનીતા પ્રમુખ ન આવે એટલે આ પ્રકારે કામ કરવા ટેવાયેલા છે. વખતો-વખતથી એક ચોક્કસ ગ્રુપ તેમની કઠપૂતળી જેવા પ્રમુખ ન ચૂંટાય તો રિક્વિઝીશન લાવી બંધારણીય રીતે ચૂંટાયેલા માણસોને નડે તેવું કામ કરે છે.

તેમણે વધુમાં આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ભૂતકાળમાં અસીમ પંડ્યા સામે પણ ખોટું રિક્વિઝીશન લાવ્યા હતા. કોઈપણ સંજોગોમાં બાર એસોસિએશનનાં હોદ્દાનો કંટ્રોલ લેવા એક ગ્રુપ કામ કરી રહ્યું છે. અંગત સ્વાર્થ માટે સત્તાનો દુરુપયોગ પણ થતો હોવાનો પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીએ આક્ષેપ કર્યો હતો.

પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીએ વધુમાં કહ્યું કે 14 તારીખે મતદાન બાદ ખ્યાલ આવશે કે હું ચૂંટાયેલ રહીશ કે નહીં. મે લોકોને ફાઈલિંગ વખતે થતી તકલીફો દૂર કરવા 9 મહિના દરમિયાન કામ કર્યું.