PM મોદીની ‘One Nation-One Election’ યોજનાને નીતિશનું સમર્થન
One Nation One Election: નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઈટેડ (JDU)એ નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળની સૌથી મોટી યોજના ‘વન નેશન- વન ઈલેક્શન’ને સમર્થન આપ્યું છે. જેડીયુએ સોમવારે મોદીની યોજનાને સમર્થન આપતા કહ્યું કે આ યોજનાથી નીતિઓમાં સાતત્ય જળવાઈ રહેશે અને વારંવાર ચૂંટણીને કારણે થતી સમસ્યાઓથી પણ બચી શકાશે. વર્તમાન લોકસભામાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)ના મહત્વપૂર્ણ સહયોગી JDUનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કેન્દ્ર સરકારના સૂત્રોએ રવિવારે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની સરકાર આ કાર્યકાળ દરમિયાન ‘વન નેશન- વન ઈલેક્શન’ લાગુ કરશે.
તમામ પક્ષોનું સમર્થન મળશે!
જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ રંજન પ્રસાદે એક વીડિયો જાહેર કર્યો અને કહ્યું કે તેમની પાર્ટી અને એનડીએ ‘વન નેશન-વન ઇલેક્શન’ પર એક જ અભિપ્રાય ધરાવે છે. તેમણે કહ્યું, “અમે માનીએ છીએ કે આ દેશમાં નીતિઓની સાતત્યતા ચાલુ રાખશે. વારંવારની ચૂંટણીઓ વિકાસ યોજનાઓની ગતિને અવરોધે છે અને અન્ય સમસ્યાઓનું કારણ બને છે. અમે તેમાંથી છુટકારો મેળવીશું.” JDU પ્રવક્તાએ કહ્યું કે, આ સાથે મતદારો મોટી સંખ્યામાં મતદાન મથકો પર આવશે અને વિકાસ કાર્ય પણ અવિરત ગતિએ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે વિકાસ યોજનાઓને લઈને કેન્દ્ર સરકારના નિર્ણયો આ પછી વધુ સારી રીતે લાગુ કરવામાં આવશે. ભાજપ સિવાય જેડીયુ એનડીએમાં તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) પછી ત્રીજી સૌથી મોટી પાર્ટી છે.
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં રચાયેલી ઉચ્ચસ્તરીય સમિતિએ આ વર્ષે માર્ચમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણી એકસાથે કરાવવાની ભલામણ કરી હતી. આ સમિતિએ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીના 100 દિવસની અંદર સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ કરાવવાની પણ ભલામણ કરી છે. સમિતિએ એક સાથે ચૂંટણીઓ યોજવા માટે કોઈ સમય મર્યાદા નક્કી કરી નથી, જોકે તેણે 18 બંધારણીય સુધારા સૂચવ્યા છે, જેમાંથી મોટા ભાગનાને રાજ્ય વિધાનસભાની મંજૂરીની જરૂર રહેશે નહીં.
વડાપ્રધાન મોદીએ પણ ‘વન નેશન-વન ઇલેક્શન’ની જોરદાર હિમાયત કરી છે. ગયા મહિને સ્વતંત્રતા દિવસના અવસર પર પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે વારંવાર ચૂંટણીઓ દેશની પ્રગતિમાં અવરોધરૂપ છે. તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણી પહેલા, ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં મુખ્ય વચનોમાંના એક તરીકે ‘વન નેશન-વન ઇલેક્શન’નો સમાવેશ કર્યો હતો.