November 27, 2024

Nissan કાર કંપની ફેસ્ટિવલ સીઝન પર પોર્ટફોલિયો વધારશે, નવી કાર માર્કેટમાં લાવશે

Nissan: વાહન નિર્માતા Nissan કંપની ફેસ્ટિવલ સીઝનમાં નવી કાર માર્કેટમાં લાવી છે. ભારતીય બજારમાં B સેગમેન્ટ SUV તરીકે Magnite Facelift લોન્ચ કરી છે. આ સાથે કંપનીએ પોતાનો પોર્ટફોલિયો વધારવાની પણ જાહેરાત કરી છે. નિસાન કયા પ્રકારની ટેકનોલોજી સાથે, ક્યારે અને કયા સેગમેન્ટમાં નવા વાહનો લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. જાણીએ આ રીપોર્ટમાં.

પોર્ટફોલિયો વધારશે
મેગ્નાઈટના ફેસલિફ્ટ વર્ઝનના લોન્ચની સાથે જાપાનની ઓટોમેકર નિસાને જાહેરાત કરી છે કે કંપની આગામી 30 મહિનામાં તેનો પોર્ટફોલિયો વિસ્તારશે. હાલની બે SUVની જગ્યાએ કંપનીના પોર્ટફોલિયોમાં કુલ પાંચ SUV હશે. પોર્ટફોલિયો વધારવાની જાહેરાત સાથે એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે નિસાનનું ફોકસ માત્ર SUV સેગમેન્ટના વાહનો પર જ રહેશે. કંપની આગામી 30 મહિનામાં હેચબેક, સેડાન અથવા MPV સેગમેન્ટમાં નવું વાહન લોન્ચ કરશે નહીં.

આ પણ વાંચો: કાર નવી હોય કે જૂની આટલી કાળજી રાખશો તો ગેરેજમાં ખર્ચાતા પૈસા બચી જશે

અધિકારીઓની વાત
નિસાનના અધિકારીઓએ એ પણ માહિતી આપી છે કે, હાલમાં ભારતીય બજારમાં કંપનીનો હિસ્સો માત્ર એક ટકા છે. પરંતુ કંપની આગામી કેટલાક મહિનામાં તેને વધારીને ત્રણ ટકા કરવાની યોજના ધરાવે છે. માર્કેટ શેર વધારવા માટે જ નિસાન દ્વારા નવા વાહનો લોન્ચ કરવામાં આવશે. જેના કારણે ગ્રાહકોને વધુ સારા ઓપ્શન મળી રહેવાના છે. ખાસ વાત એ છે કે, નવી કારનું નિર્માણ આપણા દેશમાં જ થવાનું છે. જેને પછીથી બીજા દેશમાં વેચાણ હતું મોકલવામાં આવશે. નિસાન આગામી ત્રીસ મહિનામાં ભારતીય બજારમાં વધુ ત્રણ એસયુવી લોન્ચ કરવાની યોજના ધરાવે છે. આમાંથી એક ઇલેક્ટ્રિક એસયુવી પણ લોન્ચ કરવામાં આવશે. ઇલેક્ટ્રિક એસયુવીને લો-બજેટ સેગમેન્ટમાં લાવવામાં આવશે, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તે મેગ્નાઈટનું ઇલેક્ટ્રિક વર્ઝન હશે કે તેને સંપૂર્ણપણે નવા પ્લેટફોર્મ પર લોન્ચ કરવામાં આવશે. આ સિવાય કંપની C સેગમેન્ટની બે SUV પણ લોન્ચ કરશે.

ફ્યૂલ ટેકનોલોજી ઓપ્શન
કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે પેટ્રોલ એન્જિનની સાથે તેમની પાસે CNG અને હાઇબ્રિડ ટેક્નોલોજી પણ છે. પરંતુ, સમયની સાથે વાહનોમાં ઇલેક્ટ્રિક, હાઇબ્રિડ અને CNG ટેક્નોલોજી આપવામાં આવશે. નિસાન જાપાનની ઓટોમોબાઈલ ઉત્પાદક કંપની છે. જે વિશ્વના અનેક દેશોમાં પોતાના વાહનોનું વેચાણ કરે છે. નિસાને વર્ષ 2005માં ભારતીય બજારમાં પ્રવેશ કર્યો હતો. કંપનીનું પ્રથમ વાહન X-Trail હતું, જે થોડા સમય પહેલા CBU તરીકે ફરી રજૂ કરવામાં આવ્યું છે. આ સિવાય કંપની પાસે તેના પોર્ટફોલિયોમાં Nissan Magnite SUV પણ છે.