September 19, 2024

કેટલો ખતરનાક છે નિપાહ વાયરસ? 13 લોકોના રિપોર્ટ નેગેટિવ

Nipah Virus: કોરોના મહામારી બાદ હવે નિપાહ વાયરસ લોકોને ડરાવી રહ્યો છે. કેરળના મલપ્પુરમ જિલ્લામાં નિપાહ વાયરસનો એક કેસ નોંધાયો હતો અને આ વાયરસને કારણે 14 વર્ષના છોકરાનું મૃત્યુ થયું હતું. કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે એક નિવેદન જારી કરીને કહ્યું કે નિપાહ વાયરસથી મૃત્યુ પામેલા વ્યક્તિના સંપર્કમાં આવેલા 11 લોકોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

નિપાહ વાયરસથી મૃત્યુ પામેલા વ્યક્તિના સંપર્કમાં આવેલા 266 લોકોમાંથી અત્યાર સુધીમાં 26 લોકોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. સંપર્કમાં આવેલા લગભગ 81 લોકો આરોગ્ય કર્મચારીઓ હતા. 2018, 2021 અને 2023માં કોઝિકોડ જિલ્લામાં અને 2019માં એર્નાકુલમ જિલ્લામાં નિપાહનો પ્રકોપ નોંધાયો હતો. કોઝિકોડ, વાયનાડ, ઇડુક્કી, મલપ્પુરમ અને એર્નાકુલમ જિલ્લાના ચામાચીડિયામાં નિપાહ વાયરસની એન્ટિબોડીઝની હાજરી મળી આવી હતી.

નિપાહ વાયરસ કેવી રીતે ફેલાય છે?
મળતી માહિતી મુજબ નિપાહ વાયરસ ફળ ખાનાર ચામાચીડિયા દ્વારા મનુષ્યોમાં ફેલાય છે. આ વાયરસ ચેપગ્રસ્ત ચામાચીડિયા અથવા બગડેલા ખોરાકના સંપર્કમાં આવવાથી ફેલાઈ શકે છે. નિપાહ વાયરસ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી માણસો વચ્ચે પણ ફેલાઈ શકે છે. નિપાહ વાયરસ લોકોમાં ગંભીર બીમારી અને મૃત્યુનું કારણ બને છે.

આ પણ વાંચો: સનાતન ધર્મના ઉત્થાનનો સમય આવ્યો, વેદને લઈને મોહન ભાગવતે શું કહ્યું?

નિપાહ વાયરસના લક્ષણો
નિપાહ વાયરસના કેટલાક લક્ષણો કોવિડ જેવા જ છે. જ્યારે આ વાયરસનો ચેપ લાગે છે, ત્યારે તાવ, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, ઉલ્ટી અને ગળામાં દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે. કેટલાક લોકોને શ્વાસની તકલીફ સહિત ગંભીર શ્વસન સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણી વખત લોકો ગંભીર રીતે બીમાર પડે છે પરંતુ 24 થી 48 કલાકમાં કોમામાં જતા રહે છે.