ડંકી રૂટથી અમેરિકા મોકલનારા મુખ્ય આરોપીની ધરપકડ, NIAની મોટી કાર્યવાહી

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય તપાસ એજન્સીએ (NIA) રવિવારે માનવ તસ્કરીનો ભોગ બનેલા એક પીડિતને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવામાં સંડોવાયેલા મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. તેને આ મહિનાની શરૂઆતમાં ભારત પરત મોકલવામાં આવ્યો હતો.
નવી દિલ્હીના તિલક નગરના ગગનદીપ સિંહ ઉર્ફે ગોલ્ડીને RC- 04/2025/NIA/DLI કેસ મામલે રાજધાની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી. જેમાં પંજાબના તરનતારન જિલ્લાના રહેવાસી પીડિતને ડિસેમ્બર 2024માં કુખ્યાત ડંકી માર્ગે અમેરિકા મોકલવામાં આવ્યો હતો. પીડિતે તેની ફરિયાદ મુજબ, ગેરકાયદેસર ઇમિગ્રેશન માટે આરોપી એજન્ટને લગભગ 45 લાખ રૂપિયા ચૂકવ્યા હતા.
પીડિતને 15 ફેબ્રુઆરીએ યુએસ સત્તાવાળાઓ દ્વારા ભારત મોકલવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેણે આરોપી એજન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ કેસ મૂળ પંજાબ પોલીસે નોંધ્યો હતો અને 13 માર્ચે NIA દ્વારા તેની તપાસ હાથ ધરવામાં આવી હતી.
NIA તપાસમાં જાણવા મળ્યું છે કે, ગોલ્ડી પાસે વિદેશ મોકલવા માટે કોઈ લાઇસન્સ/કાનૂની પરમિટ/નોંધણી નહોતી. તેણે ડંકી રૂટ વાપર્યો હતો અને પીડિતને સ્પેન, સાલ્વાડોર, ગ્વાટેમાલા અને મેક્સિકો થઈને યુએસ મોકલ્યો હતો. ગોલ્ડીના સાથીઓએ પીડિતને માર માર્યો હતો અને તેનું શોષણ પણ કર્યું હતું. આ ઉપરાંત તે મુશ્કેલ મુસાફરી દરમિયાન તેની પાસે રહેલા ડોલર પણ છીનવી લીધા હતા.