લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ પર 10 લાખનું ઇનામ જાહેર, NIAએ ચાર્જશીટ દાખલ કરી
નવી દિલ્હીઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈ પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. આ સાથે તપાસ એજન્સીએ વર્ષ 2022માં નોંધાયેલા NIAના બે કેસમાં અનમોલ વિરુદ્ધ ચાર્જશીટ પણ દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે, NIAએ આ કાર્યવાહી ત્યારે કરી છે, જ્યારે હાલમાં જ મુંબઈ પોલીસે ખુલાસો કર્યો છે કે NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા કરનારો શૂટર અનમોલ બિશ્નોઈના સંપર્કમાં હતો. એટલું જ નહીં, આ ત્રણેય આરોપીઓએ સ્નેપચેટ દ્વારા અનમોલ સાથે વાત કરી હતી.
કોણ છે અનમોલ બિશ્નોઈ?
ગુજરાતની સાબરમતી જેલમાં બંધ લોરેન્સનો નાનો ભાઈ અનમોલ બિશ્નોઈ ઉર્ફે ભાનુ અમેરિકામાં રહે છે. ત્યાંથી તે લોરેન્સની સૂચના પર ગુનો કરે છે. અનમોલ પંજાબના ગાયક સિદ્ધુ મૂઝવાલાની હત્યાનો પણ આરોપી છે. ગયા વર્ષે પણ તેની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે નકલી પાસપોર્ટ પર ભારતથી ભાગી ગયો હતો. એવું પણ કહેવાય છે કે, અનમોલ પોતાનું લોકેશન બદલતો રહે છે. તેની સામે 20 જેટલા ગુનાહિત કેસ નોંધાયેલા છે. આટલું જ નહીં તે જોધપુર જેલમાં સજા પણ ભોગવી ચૂક્યો છે. તેને 2021માં 7 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવ્યો હતો.