મહિલાઓનાં સન્માનમાં શાનદાર કાર્યક્રમ ‘EmpowerHer’નું આયોજન

‘यत्र नार्यस्तु पूज्यन्ते, रमन्ते तत्र देवताः’
અનાદિ કાળથી મહિલાઓને શક્તિ સ્વરૂપ માનીને પૂજવામાં આવે છે. આપણા વેદો-પુરાણો સહિત તમામ ધાર્મિક ગ્રંથોમાં પણ નારીને પૂજનીય ગણી છે અને તેમની શક્તિ વિશે વાત કરી છે. ત્યારે ગુજરાતી ન્યૂઝ ચેનલ News Capital Gujaratએ મહિલાઓનાં સન્માન માટે શાનદાર કાર્યક્રમ ‘EmpowerHer’નું આયોજન કર્યું છે. જેમાં ગુજરાતની એવી મહિલાઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે, જેમનું જીવન અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ છે.
આ વિશેષ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મોટા નેતાઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત દિગ્ગજ ગુજરાતી મહિલાઓ પણ હાજર રહ્યા હતા. જેમાં IPS ડો. નિધિ ઠાકુર, IAS હઝરત જાસ્મિન, સામાજિક સેવિકા એકતાબા સોઢા અને મિત્તલ પટેલ, જામનગર ઉત્તર બેઠકના ધારાસભ્ય રિવાબા જાડેજા અને રાજકોટ પશ્ચિમ બેઠકના ધારાસભ્ય દર્શના શાહ, અભિનેત્રી મોના થીબા અને આરતી જોશી સહિતની મહિલાઓ હાજર રહી હતી.
આ ઇવેન્ટમાં સન્માનિત મહિલાઓઃ
ભાવનાબેન જયેશભાઈ પટેલઃ 2008થી પ્રાણીઓની સેવામાં સંકળાયેલા છે. આજ સુધીમાં 30 હજારથી વધુ સાપ પકડ્યાં છે. ગાય અને પક્ષીઓની પણ તેઓ સેવા કરે છે. પર્યાવરણનું રક્ષણ કરવામાં મોટું યોગદાન આપ્યું છે.
ધારીનીબા કિરપાલસિંહ પુવારઃ ગુજરાત રાજ્ય કક્ષાએ ફેન્સિંગ એટલે તલવારબાજીમાં 3 અને સમગ્ર ભારતમાં અંડર 19 ટીમમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ધોરણ 11માં ભણતા ધારીનીબા આજના બાળકો માટે પ્રેરણાસ્ત્રોત છે.
ઈવા પટેલઃ જન્મથી મૂકબધિર હોવા છતાં જીવનમાં પડકારોનો સામનો કરવાની આદત. કરાટે, નૃત્ય, ચિત્રકળા અને આઈસ સ્ટોક જેવી સ્પર્ધાઓમાં 32થી વધુ મેડલ જીત્યા. જન્મથી જ મૂકબધિર ઈવા પટેલે આ મુકામ હાંસિલ કરવા માટે અનેક સંઘર્ષો કર્યા.
જગત કુમારીઃ જે આશ્રમમાં પોતે સારવાર મેળવી, આજે ત્યાં જ રહીને અને અન્ય દિવ્યાંગ મહિલાઓની સેવા કરે છે. દવા, જમવાનું આપી ધ્યાન રાખી તેઓ માનવ સેવા કરી સમાજને પ્રેરણા પૂરી પાડી છે.
જાગૃતિ મહેતાઃ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે કર્યું મહત્વનું કામ. ઘરેથી પોતાની કોઠાસૂઝનો ઉપયોગ કરી ઘરમાં શણગારની ચીજવસ્તુઓનું વેચાણ કરવાનું શરૂ કર્યું. આજ સુધીમાં તેમની પાસે 300થી વધુ મહિલાઓ તાલીમ લઈ ચૂકી છે અને 150થી વધુ મહિલાઓ આત્મનિર્ભર બની છે. તેમની કામગીરી હવે વાત્સલ્ય સેવા ટ્રસ્ટનું સ્વરૂપ લઈ ચૂકી છે. જે ઉદ્યમથી અનેક મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યું છે.
જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળઃ 14 વર્ષથી કાર્યરત. 400થી વધુ ગામોમાં મહિલા સશક્તિકરણ માટે જનજાગૃતિ કાર્યક્રમો કર્યા. કોઈપણ સમાજની જરૂરીયાતમંદ મહિલાઓ માટે સેવાયજ્ઞ સતત યથાવત.
કિંજલ વરજંગભાઈ વાળાઃ ખેલકૂદ ક્ષેત્રે વોલિબોલમાં ગુજરાતમાં અવ્વલ નામ. વિવિધ ટૂર્નામેન્ટમાં 22થી વધુ મેડલ જીત્યાં. આસિસ્ટન્ટ કોચ તરીકે હાલ વોલિબોલ ફેડરેશન ઓફ ઈન્ડિયામાં ફરજ બજાવે છે. ખેલાડી તરીકે અગણિત ટૂર્નામેન્ટમાં ભાગ લીધો છે.
મુક્તાબેન ડગલીઃ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ સંસ્થાના સ્થાપક. 1996થી માત્ર ચાર બહેનો સાથે આ સંસ્થાની શરૂઆત આજે એક વટવૃક્ષમાં પરિણમી છે. સુરેન્દ્રનગરમાં શરૂ થયેલી આ સંસ્થા આજે મોરબી ઉમરગાવ અને અમદાવાદમાં પણ કેન્દ્ર ધરાવે છે. 800થી વધુ અંધ ભાઈ-બહેનોની સંભાળ આ સંસ્થા કરે છે.
પિંકી પટેલઃ કચ્છના હાજીપીર ખાતે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર. સરહદી વિસ્તારમાં આરોગ્ય અધિકારી તરીકે સેવા પુરી પાડે છે. મૂળ મહેસાણા જિલ્લાના કડીના વતની છે. એક વર્ષની દીકરીને ઘરે મૂકી કોરોનાના સમય ગાળા દરમિયાન લોકસેવામાં લાગેલા રહ્યા. નાના બાળકોને પોલિયો તથા કૃમીના ટીપા આપવા માટે 10 કિલોમીટર ચાલીને જવું પડે તો પણ તેઓ તત્પર રહે છે.
સંગીતા પટેલઃ ભારતના કપ ગર્લ. મહિલાઓને મેન્સ્ટ્રુઅલ હેલ્થ અને હાઈજિન પર સજાગ કરે છે. હાલ સુધીમાં 90 હજારથી વધુ મેન્સ્ટ્રુઅલ કપનું વિતરણ તેમણે કર્યું છે. 2.5 લાખ મહિલાઓને તેમણે મેન્સ્ટ્રુઅલ હેલ્થ હાઈજીન સેમિનારની મદદથી માહિતી આપી છે. સંગીતા પટેલ ભરતનાટ્યમ પણ શિખવે છે.