December 27, 2024

હિંદુવાદી નેતાની હત્યાના ષડયંત્રના કેસમાં મોટો ખુલાસો, ટાર્ગેટ પર હતા વધુ પાંચ લોકો

અમિત રૂપાપરા સુરત: સુરતના હિંદુ નેતા ઉપદેશ રાણાને ધમકીના મામલે સુરત પોલીસ દ્વારા ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી એક સુરતના કામરેજનો કઠોર ગામનો વતની મૌલાના સોહેલ, બિહારના મુજબના મોહમ્મદ અલી અને મહારાષ્ટ્રના નાંદેડના રઝાનો સમાવેશ થાય છે. આ આરોપીની પૂછપરછમાં નવા ખુલાસા થયા છે અને વધુ પાંચ લોકો આ ઈસમોના ટાર્ગેટ પર હોવાનું સામે આવ્યું છે અને તેમને ટેરર ફંડિંગ થતું હોવાની વાત પણ સુરત પોલીસના ધ્યાને આવી છે.

સુરતના હિંદુ નેતા ઉપદેશ રાણાને ધમકી આપવાના મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચોક બજાર વિસ્તારમાંથી કામરેજના કઠોર ખાતે રહેતા મોલવી સોહેલ અબુબકરની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ મૌલવીની પૂછપરછમાં કેટલાય ખુલાસાઓ થયા હતા અને મૌલવીની પૂછપરછ બાદ બિહારના મુજજફરપુરથી શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલીની ધરપકડ કરવામાં આવી હતી. મોહમ્મદ અલીની ધરપકડ બાદ મહારાષ્ટ્રના નાંદેડથી શકીલ ઉર્ફે રઝાની પણ ધરપકડ કરવામાં આવી હતી.

આ આરોપીઓની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે કે તેમને ટેરર ફંડિંગ પણ મળતું હતું. આ તમામ ઈસમો પાકિસ્તાન સાથે જોડાયેલા ડોગર નામના વ્યક્તિના સંપર્કમાં હતા. સુરત પોલીસે ડોગરનો ફોટો પણ મીડિયા સમક્ષ જાહેર કર્યો છે અને આ ફોટો આરોપીના મોબાઇલમાંથી પોલીસને મળી આવ્યો છે. પોલીસને તપાસ દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે સોહિલ કઠોર ગામનો રહેવાસી છે. તેની પાસે બે ચૂંટણી કાર્ડ મળી આવ્યા છે અને આ બંને ચૂંટણી કાર્ડના નંબર અલગ-અલગ છે. આ ઉપરાંત તેની પાસેથી જન્મના પણ બે સર્ટિફિકેટ મળ્યા છે તેમાંથી એક સુરતનું છે અને બીજું નવાપુર મહારાષ્ટ્રનું છે.

આ પણ વાંચો: સોલામાં પ્રેમી મૂકીને જતો રહેતા સગીર પ્રેમિકાએ કર્યો આપઘાત

શહેનાઝની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે તે પાકિસ્તાની હેન્ડલર ડોગરના સંપર્કમાં હતો અને ડોગરનું નેટવર્ક દેશના અલગ-અલગ રાજ્યમાં ફેલાયેલું છે. UP ATSની તપાસમાં પણ તેનું નામ સામે આવ્યું છે અને હિંદુ નેતાઓને ધમકી આપવામાં પણ આ ડોગરનું નામ સામે આવી રહ્યું છે. શહેનાઝ લોકોને ધમકી આપવા માટે અલગ-અલગ 17 વરચ્યુઅલ મોબાઈલ નંબર નો ઉપયોગ કરતો હતો. અને 42 ઇમેલ આઇડી પણ તે અને તેના સાગરીત લોકોને ધમકી આપવા ઉપયોગમાં લેતા હોવાનું પણ પોલીસને ધ્યાનમાં આવ્યું છે. આ તમામ આઈડીની તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે.

મહારાષ્ટ્રના નાંદેડથી રઝાની ધરપકડ કરવામાં આવી ત્યારે તેને પોતાનો મોબાઈલ તોડી નાખ્યો હતો અને પોલીસે કેટલાક મોબાઈલ પાર્ટ્સ રિકવર કર્યા છે. રઝા પણ પાકિસ્તાનના મોબાઈલ નંબરનો ઉપયોગ કરતો હતો. સાથે જ મોબાઈલ પાર્ટથી ડેટા રિકવર કરવાની કામગીરી એફએસએલ દ્વારા કરવામાં આવી રહી છે. રઝા નામના ઇસમને પાકિસ્તાની હેન્ડલર ડોગર જ મોબાઈલ નંબર એક્ટિવેટ કરીને આપતો હતો. રઝા પાકિસ્તાની હેન્ડલર ડોગર, સરફરાઝ, વન એમ વખાર, સાદિક અને જશબાબ સાથે સંપર્કમાં હતો. આ ઈસમોએ રાષ્ટ્રવાદી શેરની બ્લોગર શબનમ શેખ કે જેને મુંબઈથી અયોધ્યા સુધીની પદયાત્રા કરી હતી તેને મારી નાખવાની ધમકી આપી હતી. સુરેશ રાજપુત, સનાતન સંઘના અધ્યક્ષ ઉપદેશ રાણા, નિશાંન શર્મા, પંજાબ શિવસેનાના અમિત અરોડા, બજરંગ દળ રાષ્ટ્રીય મહાસચિવ કુલદીપ સોની અને નુપુર શર્માને ગ્રુપ કોલ મારફતે આ તમામ ઈસમો ધમકી આપતા હતા. આ બાબતે વધુ તપાસ સુરત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને વધુ લોકોનું કનેક્શન આમાં ખુલે તેવી પણ શક્યતા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દેશના અલગ અલગ રાજ્યમાં હિંદુ નેતાઓને ધમકી આપવાના પ્રકરણમાં પણ આ ઈસમો જોડાયેલા હોવાનું હાલ સામે આવી રહ્યું છે. હાલ આ તમામના રિમાન્ડ મેળવીને તેની પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કેન્દ્રીય એજન્સીઓ અને અલગ-અલગ રાજ્યની સ્થાનિક પોલીસની મદદ પણ સુરત પોલીસ દ્વારા તપાસમાં લેવામાં આવી રહી છે.

આ ઉપરાંત સુરતના કામરેજના કઠોરનો મૌલવી સોહેલ જે મૌલવી ઓ સાથે મુલાકાત કરતો હતો તે તમામ મૌલવીઓની પૂછપરછ પણ સુરત પોલીસ દ્વારા કરવામાં આવી છે. ડોગર ઇન્ડિયામાં પોતાનું નેટવર્ક કઈ રીતે વધારતો હતો તે બાબતે પોલીસે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર કટરવાદી વિચારધારાને લઈને કેટલાક વિડીયો અપલોડ થતા હોય છે અને તેના પર કેટલીક કોમેન્ટો પણ આવતી હોય છે અને આરોપીઓ આના પર નજર રાખીને બેઠા હોય છે. તેમાંથી કેટલીક જે ડિટેલ્સ અને કોમેન્ટ હોય છે તે વ્યક્તિઓને આઈડેન્ટીફાય કરતા હોય છે અને ત્યારબાદ તેનો સંપર્ક કરી આ લોકોને પોતાની સાથે તેઓ જોડતા હોય છે. વ્યક્તિઓને પોતાની સાથે જોડ્યા બાદ હેન્ડરો છે વન ટુ વન તેની સાથે વાતચીત કરતા હોય છે અને તેમાંથી પણ અમુક લોકોને સિલેક્ટ કરી તેમની પાસેથી આ પ્રકારના કૃતિઓ કરાવવામાં આવતા હોય છે. તો ટેલર ફંડિંગ બાબતે સુરત પોલીસે પકડેલા ઇસમોને પૈસા પણ મળી ચૂક્યા છે. પૈસા કઈ રીતે તેમને મળ્યા અને કોના દ્વારા આપવામાં આવ્યા છે તે બાબતે પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.