1લી એપ્રિલથી નવી જંત્રીના ભાવ લાગુ નહીં થાય, જાણો કયા 3 કારણોસર નિર્ણય મોકૂફ

ગાંધીનગરઃ નવી જંત્રીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર પહેલી એપ્રિલથી નવી જંત્રી લાગુ નહીં કરે તેવી જાહેરાત કરવામાં આવી છે. સરકાર નવા જંત્રીના દર લાગુ કરવા માટે રાહ જોશે.
સરકાર યોગ્ય સમયે જંત્રીના નવા દર લાગુ કરશે. હાલ જંત્રીના નવા દરને લઈને સરકારની 95 ટકા કામગીરી પૂર્ણ છે. પરંતુ સરકાર નવા જંત્રીના દર લાગુ કરવાને લઈને વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે. મુખ્યત્વે ત્રણ કારણોસર જંત્રીના નવા દર લાગુ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અપૂરતા ડેટા, સ્ટેમ્પ પેપરની બેફામ ખરીદી, બિલ્ડરોમાં નારાજગીને કારણે નવા દર લાગુ કરવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે.
જંત્રી એટલે શું?
જંત્રી એટલે જમીન કે કોઇપણ પ્રોપર્ટીના ખરીદ-વેચાણ માટેને સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલો લઘુતમ ભાવ. જો તમારો વેચાણ દસ્તાવેજ જંત્રીના દર કરતાં વધુ હશે તો જ સરકારી ચોપડે તમે એ મિલકતના માલિક તરીકે નોંધણી કરાવી શકશો. આ એક કાયદાકીય પુરાવો છે, જે નિશ્ચિત સમય વચ્ચે જમીન કે મિલકતનો ભાવ દર્શાવે છે. જંત્રીના ભાવથી પ્રોપર્ટીનો દસ્તાવેજ કરતી વખતે કેટલી સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવી અને કેટલો રજિસ્ટ્રેશન ચાર્જ ચૂકવવો એ નક્કી કરવામાં મદદ મળે છે.
જંત્રી નક્કી કરવાના માપદંડ શું હોય?
જે-તે એરિયાના ડેવલપમેન્ટ, એ એરિયાના દસ્તાવેજની સરેરાશ કિંમતને આધારે જંત્રીની કિંમત નક્કી કરવામાં આવતી હોય છે. મોટેભાગે જે-તે એરિયાના સૌથી મોંઘા દસ્તાવેજ અને સૌથી સસ્તા દસ્તાવેજની સરેરાશ કાઢવામાં આવે છે. આ સરેરાશ જે-તે વિસ્તારની જંત્રીની કિંમત હોય છે.