January 16, 2025

નેતન્યાહુએ સીઝફાયર કરાર મંજૂર કરવાનો કર્યો ઇનકાર, હમાસ વિશે કહી આ વાત

Israel-Hamas Ceasefire: ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે જ્યાં સુધી હમાસ ‘છેલ્લી ઘડીની કટોકટી’માંથી પીછેહઠ નહીં કરે ત્યાં સુધી કેબિનેટ યુદ્ધવિરામ પર બેઠક કરશે નહીં. આ પહેલા નેતન્યાહુએ બુધવારે મોડી રાત્રે કહ્યું હતું કે હમાસ સાથે યુદ્ધવિરામ કરાર હજુ પૂર્ણ થયો નથી અને તેને અંતિમ સ્વરૂપ આપવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના કાર્યાલયે ગુરુવારે જણાવ્યું હતું કે, જ્યાં સુધી હમાસ “છેલ્લી ઘડીની કટોકટી”માંથી પીછેહઠ ન કરે ત્યાં સુધી તેમની કેબિનેટ ગાઝા યુદ્ધવિરામ સોદાને મંજૂરી આપવા માટે બેઠક કરશે નહીં. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના કાર્યાલયે હમાસ પર ‘છેલ્લી ઘડીએ છૂટછાટો મેળવવા’ના પ્રયાસમાં કરારના ભાગોને રદ કરવાનો આરોપ મૂક્યો હતો. તમને જણાવી દઈએ કે ઈઝરાયેલની કેબિનેટ ગુરુવારે આ કરારને બહાલી આપવા જઈ રહી હતી.

અગાઉ પણ નેતન્યાહૂએ અસહમતિ વ્યક્ત કરી હતી
નેતન્યાહૂએ બુધવારે મોડી રાત્રે કહ્યું હતું કે હમાસ સાથે યુદ્ધવિરામ કરાર હજુ પૂર્ણ થયો નથી અને તેને અંતિમ સ્વરૂપ આપવાનું કામ કરવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે નેતન્યાહુના આ નિવેદનના થોડા કલાકો પહેલા જ અમેરિકા અને કતારે યુદ્ધવિરામ કરારની જાહેરાત કરી હતી. આનાથી ગાઝામાં 15 મહિનાની લાંબી યુદ્ધની સ્થિતિનો અંત લાવવા અને મોટી સંખ્યામાં બંધકોને મુક્ત કરવાનો માર્ગ મોકળો થશે.