December 18, 2024

સેરેલેક વિવાદ બાદ Nestleએ આપી પ્રતિક્રિયા, કહ્યું, તમામ આરોપો ખોટા

Nestle India: બાળકો માટે જાણીતું ફૂટ પ્રોડક્ટ સેરેલેકમાં વધારે શુગર હોવાના આરોપ લાગી રહ્યો છે. આ આરોપોના કારણે એવો દાવો કરવામાં આવ્યો છે કે FSSAIએ નેસ્લે ઈન્ડિયાની આ પ્રખ્યાત પ્રોડક્ટના સેમ્પલ તપાસ માટે ભેગા કર્યા છે. હવે આ આરોપો પર નેસ્લે ઈન્ડિયાએ સ્પષ્ટતા કરી છે. તેમણે સેરેલેકની ઉપર લાગેલા બધા આરોપોને નકાર્યા છે. કંપનીએ કહ્યું કે, સેરેલેકમાં નિયમો અનુસાર જ શુગર એડ કરવામાં આવી છે. જેમાં વર્ષે વર્ષે ઘટાડો પણ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: યોગગુરુ રામદેવને ફરી મોટો ફટકો, 14 પ્રોડક્ટ્સના લાઇસન્સ સસ્પેન્ડ

શુગર સેરેલેકમાં નિયમોની મર્યાદામાં છે
નેસ્લે ઈન્ડિયાએ કહ્યું કે, અમે ભારત સરકારના તમામ નિયમોનું પાલન કરી રહ્યા છીએ. સેરેલેકમાં કાનૂની મર્યાદા કરતાં ઓછી ખાંડ ઉમેરવામાં આવી છે. કંપનીના ચેરમેન અને એમડી સુરેશ નારાયણને જણાવ્યું કે સેરેલેકમાં ખાંડ મિક્સ કરવામાં આવી રહી છે, પરંતુ આ નિયમોની મર્યાદામાં છે. અમે અમારા બોક્સ પર પણ આ સ્પષ્ટપણે લખીએ છીએ. કંપની કોઈપણ નિયમોનું ઉલ્લંઘન કરી રહી નથી. છેલ્લા 5 વર્ષમાં ઉમેરેલી ખાંડમાં પણ 30 ટકાનો ઘટાડો થયો છે. તેમાં પણ વધુ ઘટાડો થશે.

યુરોપમાં વેચાતા સેરેલેકમાં ઉમેરેલી ખાંડ હોતી નથી
નેસ્લે ઈન્ડિયાએ પ્રથમ વખત બેબી ફૂડ બ્રાન્ડ સેરેલેક સામેના આરોપો અંગે સ્પષ્ટતા આપી છે. સ્વિઝિલેન્ડની તપાસ સંસ્થા પબ્લિક આઈ અને ઈન્ટરનેશનલ બેબી ફૂડ એક્શન નેટવર્કે તેમના અહેવાલમાં દાવો કર્યો હતો કે ભારતમાં વેચાતા સેરેલેકમાં ખાંડ ઉમેરવામાં આવે છે. ભારતમાં વેચાતા સેરેલેકમાં ખાંડ ઉમેરવામાં આવી રહી છે. કંપની યુરોપમાં વેચાતી બેબી ફૂડ પ્રોડક્ટ્સમાં ખાંડ ઉમેરતી નથી.

FSSAI એ 13.6 ગ્રામ ઉમેરેલી ખાંડને મંજૂરી આપી છે.
સુરેશ નારાયણને જણાવ્યું કે, 18 મહિનાથી નીચેના બાળકો માટેના ઉત્પાદનો વૈશ્વિક સ્તરે તૈયાર કરવામાં આવે છે. આ બનાવતી વખતે બાળકો માટે કાર્બોહાઈડ્રેટ્સ, એનર્જી, પ્રોટીન, ફેટ, વિટામિન્સ, મિનરલ્સ અને સપ્લીમેન્ટ્સની જરૂરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવે છે. ભારતના બાળકો અને યુરોપના બાળકો વચ્ચે કોઈ ભેદભાવ નથી. FSSAI એ બેબી ફૂડના 100 ગ્રામ દીઠ 13.6 ગ્રામ ઉમેરેલી ખાંડને મંજૂરી આપી છે. નેસ્લેના સેરેલેકમાં માત્ર 7.1 ગ્રામ ઉમેરવામાં આવેલી ખાંડ હોય છે. તેથી અમારા પર લગાવવામાં આવેલા આરોપો ખોટા છે.