November 14, 2024

રામ મંદિરના અભિષેકને લઈને નેપાળ પણ છે તૈયાર, આપી આ કડક સૂચના

કાઠમંડુ: અવધ નરેશ શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠાને બસ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આ ભવ્ય કાર્યક્રમ સાથે નેપાળને પણ કનેકશન છે. નેપાળના જનકપુરથી 500 થી વધુ શણગારેલી ભેટને મોકલવામાં આવી છે. ભેટ સાથે ભક્તોનો અપાર પ્રેમ પણ જોવા મળ્યો છે. જનકપુરને માતા સીતાનું જન્મસ્થળ કહેવામાં આવે છે. ત્યારે નેપાળે પણ તેમની જનતાને આહ્વાન કર્યું છે. નેપાળે તેના નાગરિકોને તારીખ 22 જાન્યુઆરી 2024ના આરતી અને વિશેષ પૂજા કરવા તેમજ તે દિવસે દારૂ અને માંસાહારી ખોરાકનું વેચાણ બંધ કરવા માટે આહ્વાન કર્યું છે.

હજારો હિન્દુ ભક્તોનો થશે જમાવડો
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાય છે. તેમણે મોકલેલા પત્ર મુજબ નેપાળી પૂજારી આચાર્ય દુર્ગા પ્રસાદ ગૌતમ 22 જાન્યુઆરી 2024ના વિશેષ ધાર્મિક સમારોહનું નેતૃત્વ કરશે. આ સાથે જનકપુરના રામ-જાનકી મંદિરના મુખ્ય પૂજારી મહંત રામ તપેશ્વર દાસને પણ આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. નેપાળના મોટા ભાગના મહંતને આમંત્રણ આપવામાં આવ્યું છે. જનકપુરમાં તારીખ 22 જાન્યુઆરી 2024ના ભગવાન શ્રી રામના પ્રતિષ્ઠાને દિવસે રામ-જાનકી મંદિરમાં દીવા પ્રગટાવીને પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવમાં ભાગ લેવા આહ્વાન કર્યું છે.

આ પણ વાચો: મૈસૂરના મૂર્તિકારની કમાલની કલા, અવધ નરેશને આપ્યું મસ્ત બાળરૂપ

22 જાન્યુઆરીએ પ્રતિબંધ
નેપાળમાં આવેલા બીરગંજમાં શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે (22 જાન્યુઆરી 2024) માંસાહારી ખોરાક અને દારૂના વેચાણ અને વપરાશ પર પ્રતિબંધની જાહેરાત કરી છે. તે જ દિવસે શહેરના ખડિયારવા પોખરી ખાતે એક કાર્યક્રમ યોજાશે. અગાઉ, નેપાળમાં ગંડકી નદીની ઉપનદી કાલી ગંડકીના કાંઠેથી બે મોટા શાલિગ્રામ, એક અશ્મિભૂત પથ્થર અથવા એમોનાઈટ એકત્રિત કરવામાં આવ્યા હતા અને અયોધ્યા મોકલવામાં આવ્યા હતા.

આ પણ વાચો: અવધ નરેશ અમેરિકામાં દેખાશે, ટાઈમ્સ સ્ક્વેરમાં લાઈવ સ્ટ્રિમિંગ

800 કિલોમીટર દૂરથી ખાસ છોડ
ભગવાન શ્રી રામને અયોધ્યામાં નિહાળવા માટે સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. ત્યારે રામપથ અને ધરમપથ પર લગાવવા માટે 800 કિલોમીટર દૂરથી ખાસ છોડ આવશે. ભોપાલની નિસર્ગ નર્સરીને અયોધ્યામાંથી 50 હજાર છોડનો ઓર્ડર મળ્યો છે. જેમાંથી લગભગ 35 હજાર જેટલા બોગનવેલિયાના છોડ જોવા મળે છે. તારીખ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ લલ્લાનો અભિષેક કરવામાં આવશે. ત્યારે દેશ સહિત વિશ્વમાંથી લોકો અયોધ્યમાં આવશે. રામભક્તોની ભક્તિમાં અયોધ્યા જોવા મળશે. ભોપાલના એક નર્સરીના માલિકને અયોધ્યાના રામપથ અને ધરમપથને ફૂલોનું વાવેતર કરીને હરિયાળું રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે.